ગુજરાતમાં વિદેશ જવા ઇચ્છુક લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવતા રહે છે, પરંતુ અમદાવાદમાં એક વિઝા કન્સલ્ટન્ટ પોતે જ છેતરપિંડીનો ભોગ બન્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોતા વિસ્તારમાં કન્સલ્ટન્સી ચલાવતા એક યુવાનને કેનેડાના વર્ક પરમિટ વિઝા અને અસલ LMIA લેટર ઝડપથી અપાવવાની લાલચ આપી ગાંધીનગરના પિતા-પુત્ર અને તેમના સસરાએ કુલ ₹98.15 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
કેવી રીતે વિશ્વાસ જીત્યો?
માહિતી મુજબ, માર્ચ 2023 દરમિયાન અલ્પેશભાઈનો સંપર્ક ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા જયેશ પટેલ અને તેના કેનેડામાં રહેતા પુત્ર યશ પટેલ સાથે થયો હતો. જયેશે અલ્પેશભાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે યશ કેનેડામાં રહે છે અને LMIA આધારિત વર્ક પરમિટની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવી શકે છે.
શરૂઆતમાં એક-બે ફાઈલ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આરોપીઓએ અલ્પેશભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ અલ્પેશભાઈએ પોતાના ચાર ગ્રાહકો – કિરણ રાઠોડ, યશ પટેલ, જય પટેલ અને અભિષેક પટેલ –ની ફાઈલો આ પિતા-પુત્રને સોંપી હતી.
અલગ-અલગ હપ્તામાં વસૂલ્યા ₹98.15 લાખ
આરોપીઓએ ચારેય ગ્રાહકોના કામ માટે કુલ ₹98.15 લાખ લીધા હતા. જેમાંથી અલ્પેશભાઈએ ઓગસ્ટ 2023થી અત્યાર સુધીમાં જયેશ પટેલને ₹66.89 લાખ રોકડમાં ચૂકવ્યા હતા. ઉપરાંત, યશ પટેલના સસરા પદ્મીનકુમાર પટેલને તેમની સી.જી. રોડ સ્થિત જ્વેલર્સની દુકાને ₹15.26 લાખ આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ₹16 લાખ કેનેડામાં યશ પટેલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
યશ પટેલે પોતાના કેનેડિયન મોબાઇલ નંબર પરથી વોટ્સએપ મારફતે તમામ રકમ પ્રાપ્ત થયાની પુષ્ટિ પણ કરી હતી.
તપાસમાં ખુલ્યો ભાંડો
રકમ પ્રાપ્ત કર્યા બાદ યશ પટેલે વોટ્સએપ મારફતે ચારેય ગ્રાહકોના LMIA લેટર મોકલી આપ્યા હતા અને ટૂંક સમયમાં વિઝા મળી જશે તેવી ખાતરી આપી હતી. જોકે લાંબો સમય વીતી જવા છતાં વિઝા મળ્યા નહોતા અને કેટલીક ફાઈલો રિજેક્ટ થતાં અલ્પેશભાઈને શંકા ગઈ હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ શરૂઆતમાં ટેક્નિકલ ખામીઓના બહાના આપ્યા હતા. ત્યારબાદ અલ્પેશભાઈએ કેનેડા એમ્બેસીમાંથી GCMS/કેપ્સ નોટ્સ મંગાવી તપાસ કરાવી હતી. તપાસમાં સામે આવ્યું કે યશ પટેલ દ્વારા મોકલાયેલા તમામ LMIA લેટર નકલી હતા. આરોપીએ અન્ય વ્યક્તિઓના LMIA દસ્તાવેજોમાં ફેરફાર કરીને આ બનાવટી લેટર તૈયાર કર્યા હતા.
ત્રણ આરોપીઓ સામે ફરિયાદ
છેતરપિંડીનો ભાંડો ફૂટ્યા બાદ અલ્પેશભાઈએ આરોપીઓ પાસેથી પોતાની રકમ પરત માંગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૈસા પરત ન મળતા અંતે યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મીન પટેલ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.














Leave a Reply