અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં નશાની હાલતમાં પાડોશીઓ સાથે ઝઘડો અને મારામારી કરનાર મહાવીરસિંહ સિંધવનું પોલીસથી બચવા ભાગવાના પ્રયાસ દરમિયાન ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો રહેવાસી મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં રહેવા આવ્યો હતો. સોમવાર રાત્રે તેણે નશાની હાલતમાં ફ્લેટના રહીશો અને પાડોશીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. બાદમાં મામલો એટલો વણસ્યો કે તેણે કેટલાક લોકો સાથે મારામારી પણ કરી હતી.
મહાવીરસિંહના વર્તનથી કંટાળેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ આવી હોવાની જાણ થતાં જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જોકે, ચોથા માળેથી નાસી છૂટવાની કોશિશ દરમિયાન તેનો પગ લપસતાં તે સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો.
આ અકસ્માતમાં તેને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પ્રત્યક્ષદર્શીઓ અને ફ્લેટના રહીશોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહાવીરસિંહ સિંધવ સામે હત્યાના પ્રયાસ, મારામારી, ગુજસીટોક (GUJCTOC) તેમજ એનડીપીએસ (NDPS) હેઠળના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે મહાવીરસિંહ અગાઉ ભારતીય સેનામાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવતો હતો. જોકે બાદમાં તેણે ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો. વર્ષ 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન 10 વૈભવી કારોના કાફલા સાથે ભવ્ય એન્ટ્રી અને સ્ટેજ પર લાખો રૂપિયાનો વરસાદ કરીને તે ચર્ચામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન તેના તાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે જોડાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા કેટલાક આરોપીઓને ફ્લેટ ભાડે અપાવવામાં તેની ભૂમિકા સામે આવી હતી. આ ઉપરાંત તેની સામે હથિયારના જોરે લૂંટ ચલાવવાનો ગુનો પણ નોંધાયો હતો, જેમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.














Leave a Reply