
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈની ખંડપીઠે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને ‘વન રેન્ક, વન પેન્શન’ લાગુ કરવાનો ઐતિહાસિક ચુકાદો આજે જાહેર કર્યો છે.બેંચે કહ્યું કે, હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો સંપૂર્ણ અને સમાન પેન્શન મેળવવાના હકદાર છે. તેમની પ્રારંભિક નિમણૂકનો સ્રોત કોઈપણ હોય, ભલે તેઓ જિલ્લા ન્યાયપાલિકામાંથી કે પછી વકીલમાંથી ન્યાયાધીશ બન્યા હોય, ભલે તેઓની કોઈપણ તારીખે નિમણૂક થઈ હોય, તેઓને પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 13.65 લાખ રૂપિયાનું પેન્શન આપવું જોઈએ. ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે તેઓને પગાર સાથે ટર્મિનલ લાભો પણ આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોને મોટી રાહત મળી છે અને તેમને ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.હાઈકોર્ટના સેવારત ન્યાયાધીશના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારના સભ્યોને કૌટુંબિક પેન્શન મળશે, પછી ભલે તે કાયમી ન્યાયાધીશ હોય કે વધારાના ન્યાયાધીશ હોય.
