
વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુ:ખદ નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના પુત્ર ઋષભ રૂપાણી હાલ અમેરિકામાં છે અને તેઓ આવતીકાલે, 14 જૂન, શનિવારે સવારે 4 વાગ્યે અમદાવાદ પરત ફરશે. ઋષભના આગમન બાદ જ દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. વિજય રૂપાણીના અકાળે અવસાનથી ગુજરાતના રાજકારણમાં અને જાહેરજીવનમાં એક મોટી ખોટ પડી છે, અને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે, 13 જૂનના રોજ સવારે જ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી અમદાવાદ પહોંચ્યા હતા અને હાલ તેઓ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને હાજર છે. વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા જ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને રાજકીય નેતાઓ અને કાર્યકરોનો ઘસારો જોવા મળ્યો હતો. અનેક મંત્રીઓ અને સાંસદો અંજલિબેનને સાંત્વના આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે મોદીએ વિજય રૂપાણીની જાહેર જીવનની સફરને બિરદાવતા કહ્યું, “એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.”રાજકોટ શહેરની તમામ ખાનગી શાળાઓ આવતીકાલ શનિવારના રોજ એક દિવસ માટે બંધ પાળીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલિ પાઠવશે.
