
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગનાં શહેર-જિલ્લાઓમાં રોડ-રસ્તા ખખડધજ થયા છે. બિસ્માર માર્ગોનાં કારણે નાગરિકોને પડતી હાલાકીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નારાજગી વ્યક્ત કરી હતી અને સંબંધિત વિભાગોને રોડ-રસ્તાને સરખા કરવા આદેશ કર્યા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર (VMC) એક્શનમાં આવ્યા છે અને ખાડાઓને લઈને બેઠક યોજી સૂચનો આપ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના આદેશ બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ (Mahesh Babu) અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બિસ્માર રોડ અને ખાડાઓ અંગે ચર્ચા કરી રિપેરિંગ કરવા સૂચનો આપ્યા છે. બિસ્માર રસ્તા અને ખાડાને લઈને મ્યુ. કમિશનર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો પર લાલઘૂમ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.માહિતી મુજબ, મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં રોડ, પાણી અને ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા હતા. કામ અંગે રિવ્યૂ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણા ચૂકવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. સરવે કરવામાં આવેલ તમામ ખાડાઓની જાણ કોન્ટ્રાક્ટરને કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો પેનલ્ટીની કાર્યવાહી પણ કરાશે અને એક અઠવાડિયામાં તમામ ખાડાઓ પૂરી દેવા આદેશ કરાયો છે. જો કે, કોન્ટ્રાક્ટરો દ્વારા પણ તાત્કાલિક કામગીરી કરવા બાહેંધરી આપવામાં આવી છે.
