
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કરગરતી દેખાઈ હતી. સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે. ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરુ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે. આ મામલે અમિત ચાવડાએ તંત્રને ઘેરતાં અનેક સવાલો પણ ઊઠાવ્યા હતા. બે પિકઅપ વાન, એક ઈકો, ટુ વ્હિલર અને ટ્રક નદીમાં ખાબક્યા હતા.
