
હવામાન વિભાગે સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. જેમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તથા સૌરાષ્ટ્રમાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. અમદાવાદમાં હળવા વરસાદની કરવામાં આગાહી આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલમાં વરસાદનું યલો એલર્ટ છે. તથા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ છે.
વરસાદી આંકડા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 3.5 ઈંચ વરસાદ, બોટાદના બરવાળામાં પોણા 3 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ આણંદના ખંભાત, વલસાડના કપરાડામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદમાં 2, નડિયાદમાં વરસ્યો પોણા 2 ઈંચ વરસાદ સાથે ઈડર અને તિલકવાડામાં પણ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તથા અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 49.96 ટકા વરસાદ પડ્યો છે. વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ ખરાબ ઘટના ટાળી શકાય. લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા વિનંતી કરાઈ છે.
રાજ્યમાં 14 જુલાઈ ગઇકાલે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.20 ઇંચ, તાપીના વ્યારામાં 1.65 ઇંચ, વલસાડના કપરાડામાં 1.61 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.54 ઇંચ, ખેડાના નડિયાદમાં 1.50 ઇંચ, સુરતના બારડોલીમાં 1.42 ઇંચ, વલસાડના પારડીમાં 1.10 ઇંચ, નવસારી અને છોટા ઉદેપુરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પંચમહાલના જાંબુઘોડા, નર્મદાના દેડીયાપાડા, તાપીના સોનગઢ, સુરતના પલસાણા, છોટા ઉદેપુરના નસવાડી, નવસારીના ગણદેવી સહિતના 64 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
