
ઓપરેશન સિંદૂરનો બદલો લેવા નડિયાદના એક યુવક અને 17 વર્ષ, 10 મહિનાની ઉંમર ધરાવતા તેના મિત્રએ દેશની ડિફેન્સ, ફાઈનાન્સ, એવિએશન અને બેન્કિંગ સિસ્ટમ ડાઉન કરવા માટે સાયબર એટેક કર્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા તપાસ કર્યા બાદ આ ગંભીર મામલાની તપાસ એન.આઈ.એ. કરશે. પણ, આ કેસમાં સૌથી મોટો વળાંક એ છે કે જેને બાળ આરોપી તરીકે ગણવામાં આવ્યો છે તેને યુવાન ગણીને કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે.
એવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માતાએ ચિંતા વ્યકત કરી હતી કે, મારો 16 વર્ષનો પુત્ર સતત મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો જ જોતો રહે છે અને કોઈ વખત અમારા બેડરૂમમાં ડોકિયાં પણ કરવા આવતો હોવાથી ડર સાથે ચિંતા અનુભવાય છે. આવી ફરિયાદ અરજી શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનને મળી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી. ગુનાખોરી તરફ દોરી જતી વર્તણૂંક સામે મનોચિકિત્સકોની મદદ લઈને બાળકનું સાયકોલોજીકલ કેનવાસિંગ કરવાની પ્રક્રિયા પોલીસે કરી છે.
અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં તાજેતરમાં જ સેટેલાઈટ વિસ્તારમાં પિતાની હત્યા કરનાર પુત્ર વર્ષોથી એકલવાયું જીવન જીવન જીવવા માટે ટેવાઈ પોતાની અલગ જ દુનિયામાં ગુંથાયેલો રહેતો હતો. પિતાએ સુધારણાના પ્રયાસો કર્યા પણ એક વખત પુત્રએ અંદરથી બંધ કરેલો ઘરનો દરવાજો તોડ્યો અનર રૂમમાં ઘુસીને પિતાની હત્યા કરી નાખી. આ કિસ્સામાં આરોપી યુવા વયનો છે પણ તેની જિંદગીની સ્વતંત્રતા કે સ્વચ્છંદતાની ઝંખના બાલ્યાવસ્થા સમયથી જ શરૂ થઈ ચૂકી હોવાની વિગતો પોલીસની તપાસ ખુલી હતી તે ચોંકાવનારી બાબત છે. બાળ અવસ્થામાં ગણાય તેવા 15થી 18 વર્ષની વયના ‘યુવા’ના આવા અનેક કિસ્સાઓ પોલીસ અને સરકારી સંચાલિત બાળ સુધારણા ગૃહો કે હેલ્પલાઈન સુધી પહોંચી રહ્યાં છે.
વર્ષ 2013થી 2022 સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, બાળ ગુનાખોરીમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. બાળકો દ્વારા ગુનાખોરીમાં 60,000 ગુના સાથે મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે, મહારાષ્ટ્રમાં 55,852, દિલ્હી 24,887, રાજસ્થાન 24,386, તામિલનાડુ 24,301 પછી ગુજરાત 21,398 ગુના સાથે દેશમાં છઠ્ઠા ક્રમે રહેવા પામ્યું છે. વિતેલા ત્રણ વર્ષથી નેશનલ પોર્ટલ ઉપર બાળ ગુનાખોરી અંગેના આંકડાઓ જાહેર થયાં નથી તે સામાજીક રીતે ચિંતાજનક બાબત ગણાવાય છે.
