
અમદાવાદના લોકો પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોના દર્શન કરી શકે એ માટે શ્રાવણ મહીનાના આરંભથી જ વિવિધ રુટ ઉપર ધાર્મિક પ્રવાસ બસ દોડાવાશે.આ બસ મેળવવા મ્યુનિસિપલ હદ વિસ્તારના લોકોએ બસ દીઠ રુપિયા ત્રણ હજાર ચૂકવવા પડશે. ગત વર્ષે શ્રાવણ મહીનામાં એક હજારથી વધુ બસ દોડાવાઈ હતી.
શ્રાવણ મહીના દરમિયાન ધાર્મિક પ્રવાસ બસ માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર બસ ટર્મિનસ ખાતે બુકીંગ કરાવવાનુ રહેશે.અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પાસે વાહનોનો મોટા પ્રમાણમાં ધસારો તથા વાહન પાર્કીંગની સમસ્યાને લઈ ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી.આખા દિવસના પ્રવાસમાં લોકો આઠથી દસ મંદિરમાં દર્શન કરી શકશે.નાગરિકોના ઘરેથી બસ લઈ જશે અને મુકી જશે.એ.એમ.ટી.એસ.કમિટીના ચેરમેન ઘરમસિંહ દેસાઈએ કહયુ,શ્રાવણ મહીના દરમિયાન ધાર્મિક પ્રવાસ માટે રોજ ૮૦ બસ ફાળવવામાં આવશે.ઔડાની હદમાં રહેતા લોકોએ ધાર્મિક પ્રવાસ બસ મેળવવા બસ દીઠ રુપિયા પાંચ હજાર ચૂકવવાના રહેશે.પ્રોપર્ટી ટેકસ બિલ તથા ભરેલ રકમની પહોંચ પણ જમા કરાવવાની રહેશે.સવારે ૮.૧૫ કલાકે બસ ઉપડી સાંજે ૪.૪૫ કલાકે પરત ફરશે.બસ દીઠ ત્રીસ લોકો બેસી શકે એવી ક્ષમતા છે છતા વધુમા વધુ ૪૦ લોકો બેસી શકશે.
