
અમદાવાદમાં મચ્છરજન્ય રોગ અટકાવવા શહેરમાં આવેલી કન્સ્ટ્રકશન સાઈટ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા સહીતના એકમમાં મચ્છર અને તેના પોરાને લઈ તપાસ કરાઈ હતી. ૨૪૫ એકમને નોટિસ આપી રૃપિયા ૪.૬૯ લાખનો દંડ વસૂલ કરાયો હતો. ગોતા વોર્ડમાં ગુજરાત હાઈકોર્ટની ઓનગોઈંગ સાઈટમાંથી મચ્છર મળી આવતા સાઈટના કોન્ટ્રાકટરને નોટિસ આપી રુપિયા પાંચ હજારનો દંડ ફટકારાયો છે.સેંટ ઝેવિયર્સ સ્કૂલ, સરદારનગરને રુપિયા ૨૫ હજાર, સેંટ ઝેવિયર્સ કોલેજ,નવરંગપુરાને દસ હજાર તથા બોડકદેવ વોર્ડમાં આવેલી લી મેરીયન હોટલને રુપિયા પંદર હજારનો દંડ કરાયો હતો.મંગળવારે કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગની વિવિધ ટીમોએ જુદા જુદા વિસ્તારમાં આવેલા ૭૦૨ એકમમા મચ્છર અને તેના પોરાંને લઈ સઘન તપાસ કરી હતી.દરમિયાન આ એકમના ટેરેસ ઉપર રાખેલા ભંગારમાં, ફુલ-છોડના કુંડામાં, ઓવરહેડ તથા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં, ફ્રીજની ટ્રેમાં, લિફટના ખાડામાં,ભોંયરામાં અને પક્ષી ચાટ તેમજ કુલર વગેરેમાંથી મચ્છર અને તેના પોરાં મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
