
સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરોની નિષ્ઠા અને નિપૂણતાનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. એક દુર્લભ ખામીને કારણે જન્મથી જ નળી દ્વારા ખોરાક લઈ જીવતા શ્લોક નામના બાળકે સાડા ત્રણ વર્ષ પછી જિંદગીમાં પહેલીવાર મોંઢેથી ખાઈને ભોજનનો આનંદ માણ્યો છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ સાડા ત્રણ વર્ષના બાળક પર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને બાળકને નવી જિંદગી આપી છે.
આ સર્જરી વિશે વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યુ હતું કે અમદાવાદના રહેવાસી અને વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન એવા સુનિલ ચૌધરી અને નિમિષાબહેનના પુત્ર શ્લોકને જન્મ સમયે ટાઇપ એ ઇસોફેજીયલ એટ્રેસિયા નામની ખામી હોવાનું નિદાન થયું હતું. ટાઇપ A ઈસોફેજિયલ એટ્રેસિયામાં ખોરાકની નળી (ઈસોફેગસ) બે ભાગોમાં હોય છે અને તેની વચ્ચે ખાલી જગ્યા (ગેપ) હોય છે. આને કારણે ખોરાક પેટમાં પહોંચતો નથી અને બાળકને વધારે લાળ, ઊલટી, શ્વાસ લેવામાં તકલીફ અને ખોરાક ગળી ન શકવાની સમસ્યા થાય છે. ઈસોફેજીયલ એટ્રીસિયાએ 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી છે.
આવી ખામીના કિસ્સામાં જન્મસમયે ઈસોફેગોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટોમી સર્જરી કરી ખોરાકની નળીનો ઉપરનો ભાગ ગળામાં સ્ટોમા તરીકે બહાર લાવવામાં આવે છે, જેથી લાળને બીજા રસ્તે વાળી શકાય અને તે શ્વાસ નળીમાં જાય નહીં. પેટમાં સીધો ખોરાક પહોંચે તે માટે ફીડિંગ ગેસ્ટ્રોસ્ટોમી બનાવી આપવામાં આવે છે. આવાં બાળકોનું વજન લગભગ 7-10 કિગ્રા થઈ જાય અને તેઓ પોતે બેસી શકે એવી સ્થિતિમાં હોય ત્યારે આખરી ગેસ્ટ્રિક પુલ-અપ ઓપરેશન કરવામાં આવે છે. ગેસ્ટ્રિક પુલ-અપ એટલે એક પ્રકારનું જટીલ ઓપરેશન, જેમાં ડોક્ટરો જઠરને ઉપર ખસેડીને છાતીમાં લાવે છે, જેથી ખોરાકની નળીના તૂટેલા ભાગની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય.
જન્મ સમયે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઉપર મુજબની ઇસોફેગોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટોમીનું ઓપરેશન શ્લોક ઉપર કરવામાં આવ્યું હતું. જન્મથી 3.5 વર્ષ સુધી શ્લોક ખાવા માટે આ ગેસ્ટ્રોસ્ટોમી ટ્યૂબ (નળી) ઉપર આધારિત હતો. ૩.5 વર્ષ સુધી ગેસ્ટ્રોસ્ટોમી ટ્યૂબ દ્વારા સીધો જ પેટમાં ખોરાક અપાતો હોવાથી આગળની ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી માટે જરૂરી વજન વધતું ન હોવાથી શ્લોકની સર્જરી કરવામાં થોડું મોડું થયું હતું. શ્લોકના ચિંતિત માતા-પિતા અગાઉ ઘણી ખાનગી હોસ્પિટલોમાં ગયા હતાં અને આ સર્જરી માટે તેમને આશરે 8-10 લાખ રૂપિયાનો ખર્ચો જણાવવામાં આવ્યો હતો, પરંતુ આટલો મોટો ખર્ચો તેમને પરવડે તેમ ન હોવાથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ આવ્યા હતા.
આખરે તારીખ 29મી મે, 2025ના રોજ ડૉ. રાકેશ જોષી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી વિભાગ તથા પ્રો. ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ તથા એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ સોલંકી દ્વારા 3.5 વર્ષના શ્લોકની સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. ગેસ્ટ્રિક પુલ અપ સર્જરીમાં હોજરીને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે, જેથી બાળક મોઢેથી ખોરાક લઇ શકે છે. ડૉ. જોષીએ જણાવ્યું હતું કે આવી જટીલ સર્જરીમાં સારામાં સારી હોસ્પિટલમાં પણ સામાન્ય રીતે બચવાનો કે જીવિત રહેવાનો દર 40થી 50 ટકા જેટલો જ હોય છે. શ્લોક પર સફળતાપૂર્વક સર્જરી થઈ એ સિવિલ હોસ્પિટલ અમદાવાદની સિદ્ધિ ગણાવી શકાય, એવું તેમણે ઉમેર્યું હતું. વહેલા નિદાન અને વિશેષ સંભાળની સાથે આ કેસ નાનાં બાળકોને આવી જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં સિવિલ હોસ્પિટલ અમદાવાદની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ચરિતાર્થ કરે છે, તેમ ડૉ. જોષીએ જણાવ્યું હતું. સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરિયડ દરમિયાન બાળકે કોઈ પણ તકલીફ વગર જીવનમાં પહેલીવાર મોંઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. શ્લોકને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે. એણે સાડા ત્રણ વર્ષ પછી આઇસક્રીમની મજા માણી! બાળકની સ્થિતિ સામાન્ય અને સંતોષકારક થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
