

કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે આજે સવારના સમયે મહિલા હોમગાર્ડ પોતાની ફરજ નિભાવી રહી હતી. ત્યારે એક રીક્ષા આડી પડી હોવાથી મહિલા હોમગાડે રીક્ષા ચાલકને તેની રિક્ષા લઈ લેવા કહેતા માથાકૂટ થઈ હતી જેથી મહિલા હોમગાર્ડ અને પુરુષ હોમગાર્ડ આ રીક્ષા ચાલકને તેની રિક્ષા સાથે છત્રાલ ચોકીમાં લઈ ગયા હતા અને છત્રાલ ચોકીમાં પોલીસને સોંપીને આ તમામ હોમગાર્ડ ફરીથી પોતાની ફરજ બજાવવા ઓવર બ્રિજ નીચે આવી ગયા હતા.
અડધો કલાક બાદ રીક્ષા ચાલક હાથમાં એસિડનો બાટલો લઈને આવી ચડ્યો હતો અને મહિલા હોમગાર્ડ કંઈ સમજે તે પહેલા તેમની ઉપર એસિડ વડે એટેક કરી દીધો હતો. એસિડ છાંટવા લાગતા મહિલાઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટી હતી. આ દરમિયાન ભાવનાબેન નામની મહિલા ભાગવા જતા તેને મોઢાના ભાગે અને બરડાના ભાગે એસિડ પડતા દાઝી ગઈ હતી. તેમજ અન્ય મહિલાઓ ઉપર પણ એસિડના છાંટા પડતા તે પણ દાઝી ગઈ હતી. ઘાયલ મહિલાને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેમજ ફરાર થઈ ગયેલા રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, કલોલમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે 18મી જાન્યુઆરી, શુક્રવારની સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી. આટલી વાતમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડી વાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો.