

અમદાવાદના નારણપુરામા આવેલા એક જીમમાં દિલ્હીથી કસરતના સાધનો મંગાવેલા હોવાથી તેમણે નાણાં ચુકવવા માટે ઓનલાઇન સી.જી રોડ પર આવેલા એક આંગડિયા પેઢીનો નંબર મેળવીને નવ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. પરંતુ, ગઠીયાઓએ આંગડીયા પેઢીના નામે નાણાં મેળવીને આબાદ છેતરપિંડી આચરી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મણિનગર ગોરના કુવા પાસે આવેલી હિમપાર્ક સોસાયટીમાં રહેતા સોનિયાબેન ખન્નાએ નારણપુરામાં આવેલા સ્ટાર ઇલેવન જીમ માટેના સાધનો દિલ્હીથી મંગાવેલા હતા. જેના નાણાં આંગડીયા પેઢી દ્વારા ચુકવવાના હોવાથી તેમણે જસ્ટ ડાઇલ નામની એપ્લીકેશનથી સી.જી રોડ પર સમૃદ્ધિ કોમ્પ્લેક્સ સ્થિત પી.આર એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીનો નંબર મેળવીને કોલ કરતા આકાશ નામના વ્યક્તિએ આંગડીયા પેઢીના સંચાલક તરીકે ઓળખ આપીને નાણાં લેવા આવતા સમયે તેમના માણસને 10 નોટ પરનો કોડ આપવા માટેની વાત નક્કી થઇ હતી. અગાઉથી નક્કી થયા મુજબ સોનિયાબેને તેમની પાસેથી નોટ જોઇને નવ લાખ રૂપિયા ચુકવી દીધા હતા. સાથેસાથે તેમણે દિલ્હી પણ વાત કરી હતી. પરંતુ, કલાકો બાદ પણ દિલ્હી નાણાં પહોંચ્યા નહોતા.સાથે સાથે દિલ્હીમાં નાણા લેવા માટે એક વ્યક્તિનુ સરનામુ આપ્યું હતું. પંરતુ, ત્યાં આગંડીયા પેઢી નહોતી. જેથી સોનિયાબેને સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીમાં તપાસ કરી ત્યારે ત્યાં કોઇ નહોતું અને શટર ખુલ્લું હતુ. જ્યારે આંગડીયા પેઢીના નામે વાત કરનારને કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતા હતા. જેથી છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.