
રાજકોટમાં લોકમેળા અંગે ની પ્રક્રિયા ચાલુ છે અને હજુ મેળા ને એકાદ માસ જેટલો સમય બાકી હોવા છતાં રેસકોર્સના ગ્રાઉન્ડમાં છેલ્લા 20 વર્ષોથી પોતાની ચકરડિયો, નાની રાઈડ સાથે રોજી રોટી કમાતા ગરીબ પરિવારના લોકોને હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજબરોજ ધાક ધમકી આપી જગ્યા ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે. અગાઉ આ પરિવારો પાસેથી રાજકોટ મહાનગરપાલિકા હોકર્સ ઝોનનું નિયમ મુજબનું ભાડું પણ વસૂલતી હતી જે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મોજુદ છે. એક બાજુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ શાખામાંથી શહેરના ગરીબ પરિવારોને ધંધા રોજગાર માટે લોન આપે છે. અને બીજી બાજુ ગરીબ પરિવારોના ધંધા રોજગાર છીનવી લેવામાં આવી રહ્યા છે. મોંઘવારી ના કપરા કાળમાં ધંધા રોજગાર છીનવી લેવાના પગલે રાજ્યમાં આપઘાતનું પ્રમાણ વધી ગયું છે. એક સમય આગામી લોકમેળો થશે કે કેમ તે એક પ્રશ્ન હતો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એસ ઓ પી માં છૂટછાટ અપાતા મોટા રાઇડસ વગર થનારો મેળો હવે મોટા રાઇડ સાથે થશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ જે અભિગમ અપનાવ્યો છે તે અભિગમ રાજકોટ જિલ્લા કલેકટર અપનાવી આ ગરીબ પરિવારો માટે જે કાંઈ થોડી ઘણી છૂટછાટો મળવી જોઈએ તે તેમને પણ મળે અને તેમને સાતમ આઠમ જેવા પવિત્ર તહેવારોમાં પોતાની રોજી રોટી મળી રહે તે માટે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવી ઘટે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય આપ સાહેબના કહેવાથી રેસકોર્સની જગ્યા તાત્કાલિક ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીના વર્ષોના રેકોર્ડ પર મેળાના ચાર કે પાંચ દિવસ અગાઉ આ ગ્રાઉન્ડ ખાલી કરાવાતું હોય છે જ્યારે હાલ એક મહિના વહેલા લાંબો સમય પહેલા ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં કોનુ હિત સમાયેલું છે. આ મેદાનમાં ઊભા રહેનારા તમામ ચકરડી વાળાઓની બેઠક કરી અને નજીવા ચાર્જ સાથે તેઓને લોકમેળામાં રોજગાર મળી રહે તે હેતુને ધ્યાનમાં લઇ ધંધો કરવાની છૂટ મળે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
