

આ બિલ્ડિંગ ભયજનક છે.’ આવું પાટિયું બીજે ક્યાંય નહીં પરંતુ, અમદાવાદના પોલિટેક્નિક કમ્પાઉન્ડમાં આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવ્યું છે. અહીં બાળ વિકાસ વિભાગની કચેરીમાં દરરોજ અનેક વિધવા મહિલાઓ અને બાળકો સરકારી સહાય માટે આવે છે. આ ભયજનક કચેરીમાં જવું સામાન્ય પ્રજાજનો માટે મજબૂરી છે પરંતુ, આ ગુજરાત સરકાર અને જવાબદાર સરકારી વિભાગોની બેદરકારી છે. 30થી વધુ ઓફિસ અસાલમ બિલ્ડિંગમાંગંભીરા બ્રિજ દૂર્ઘટના પછી અમદાવાદના પોલિટેકનિક કમ્પાઉન્ડ જ નહીં રાજ્યભરમાં સરકારની 30થી વધુ વિભાગોની અનેક ઓફિસો અસલામત જાહેર કરાયેલી બિલ્ડિંગમાં ધમધમી રહી છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીની બિલ્ડિંગ બે વર્ષ પહેલાંથી ભયજનક જાહેર કરાયેલી હોવા છતા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.
એક બિનસત્તાવાર આંકડા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં 458 રહેણાંક અને બિનરહેણાંક સરકારી બિલ્ડિંગો જોખમી સ્થિતિમાં છે. ગુજરાત સરકારના 30 વિભાગોની રાજ્યભરમાં આવેલી કચેરીઓમાંથી અનેક કચેરીઓ એવી છે કે જે જર્જરિત અવસ્થામાં છે. સરકારી રાહે આ ઓફિસોની બિલ્ડિંગોના પુનઃનિર્માણની દરખાસ્તો ગાંધીનગર કરી દેવામાં આવી છે. આ દરખાસ્તો જે તે વિભાગના ઓફિસોમાં ઘૂળ ખાય છે. પણ જોખમી બિલ્ડિંગો ભયજનક છે તે માટેના પત્રો લખીને કે પછી બિલ્ડિંગ ભયજનક હોવાના બોર્ડ લગાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનું પાપ ગાંધીનગરના સરકારી વિભાગોના વડાઓ કરી રહ્યાં છે.
અમદાવાદના સરકારી પોલીટેકનિક બિલ્ડિંગમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, બિજ નિગમ સહિત અડધો ડઝન સરકારી કચેરીઓ કાર્યરત છે. અગાઉ જિલ્લા કલેક્ટરની એક કચેરી કાર્યરત હતી તે ભયજનક બિલ્ડિંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ છે. પણ, હજુ અડધો ડઝન સરકારી કચેરીઓ તેના પ્રવેશદ્વાર ઉપર ‘આ બિલ્ડિંગ ભયજનક છે’ તેવા ભય દર્શાવતા લખાણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા કે રાજકોટ જ નહીં રાજ્યભરમાં 30 સરકારી વિભાગોની અનેક સરકારી કચેરીઓ જર્જરિત બિલ્ડિંગોમાં કર્મચારીઓ અને અરજદારો ઉપર જોખમ વચ્ચે કાર્યરત છે. બિલ્ડિંગોનું નિયત આયુષ્ય પૂર્ણ થયાની નોંધ વચ્ચે કાર્યરત સરકારી બિલ્ડિંગોમાં પોપડા પડવા સહિતની નાની-મોટી ઘટના બનતી રહે છે. પણ, ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને અમુક અંશે અરજદારોને ભયજનક બિલ્ડિંગોમાં અવર-જવર વધુ જોખમી લાગી રહી છે. જોકે, ગુજરાત સરકારનો કુંભકર્ણ કોઈ દુર્ઘટના પહેલાં જાગવા ટેવાયેલો નથી એવી ટકોર થવા લાગી છે.