અમરાઈવાડીમાં બોલાચાલી બાદ મારામારી, લોહીની ઊલટી થયા બાદ યુવકનું મોત; બે સામે ગુનો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 24 વર્ષીય યુવકનું મોત થતાં ચકચાર મચી છે. મહાલક્ષ્મીનગર પાસે પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા અને તેના મિત્ર સાથે થયેલી ઝપાઝપી દરમિયાન અક્ષય નામનો યુવક નીચે પટકાયો હતો. બીજા દિવસે વહેલી સવારે અક્ષયને લોહીની ઊલટીઓ થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, અક્ષય તેના માતા-પિતાના અવસાન બાદ અમરાઈવાડીના મહાલક્ષ્મીનગર ચારમાળિયામાં એકલો રહેતો હતો. 8 ઓક્ટોબરની સાંજે તે મહાલક્ષ્મીનગરના ગેટ પાસે હાજર હતો ત્યારે જોગમાયાનગરમાં રહેતો પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા તેના મિત્ર સાથે ત્યાં આવ્યો હતો. કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
મારામારી દરમિયાન અક્ષય નીચે પટકાયો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે જતો રહ્યો હતો. શરૂઆતમાં ઘટના સામાન્ય ઝઘડો હોવાનું લાગ્યું હતું, કારણ કે અક્ષય પોતાના પગે ઘરે પહોંચી ગયો હતો.
જોકે, 9 ઓક્ટોબરની વહેલી સવારે અક્ષયને અચાનક લોહીની ઊલટીઓ થવા લાગી હતી. તેના મિત્ર નયને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ અક્ષયની બહેન તુલસીને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં અક્ષયની સ્થિતિ ગંભીર જણાતાં તબીબોએ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. પરિવારજનો તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં મૃતકની બહેને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આંતરિક ઈજાના કારણે મોતની આશંકા
પોલીસ તપાસમાં મારામારી દરમિયાન અક્ષય નીચે પટકાયો હોવાનું સામે આવ્યું છે. મારામારી બાદ તે ચાલીને ઘરે પહોંચ્યો હતો, પરંતુ બીજા દિવસે લોહીની ઊલટીઓ શરૂ થતાં તેની તબિયત અચાનક ગંભીર બની હતી. શરીરમાં આંતરિક ઈજા અથવા હેમરેજના કારણે તેની સ્થિતિ ગંભીર બની હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.