ગાંધીનગર જમીન વિવાદમાં નવો વળાંક: પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નામ ફરિયાદમાં, ખેડૂત બે મહિનાથી ગુમ હોવાનો આક્ષેપ

ગાંધીનગર નજીક કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં હવે અપહરણની ફરિયાદ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. ખેડૂત પોપટજી ઠાકોરની પત્ની કાજલ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોપટજીનું સેક્ટર-11 સ્થિત સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓ છેલ્લા પોણા બે મહિનાથી લાપતા છે.
ફરિયાદમાં પૂર્વ કોંગ્રેસ સાંસદ જગદીશ ઠાકોરનું નામ પણ સામે આવ્યું છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
જમીન અન્ય કોઈને ન વેચવા ધમકીનો આક્ષેપ
કાજલ ઠાકોરે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, રવિ ઠાકોર, ગાભુ રબારી અને બળદેવ રબારી સહિતના શખસોએ પોપટજી ઠાકોર પર જમીન અન્ય વ્યક્તિને ન વેચવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે, જગદીશ ઠાકોર સિવાય અન્ય કોઈને જમીન વેચવામાં આવશે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, પોપટજીને સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી લઈ જઈ અજાણ્યા સ્થળે રાખવામાં આવ્યા હોવાનો પરિવારને શંકા છે. આ દરમિયાન જમીન સંબંધિત દસ્તાવેજો પર બળજબરીપૂર્વક સહીઓ કરાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
અગાઉ પણ જમીનનો મુદ્દો રાજકીય રીતે ચગ્યો હતો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન આ જમીનનો મુદ્દો રાજકીય ચર્ચામાં આવ્યો હતો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઠાકોર સમાજની જમીન પચાવી પાડવાના આક્ષેપો સાથે આ મામલો ઉઠાવ્યો હતો. હવે એ જ જમીન વિવાદમાં ખેડૂતના કથિત અપહરણની ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો ફરી વધ્યો છે.
પોલીસ દ્વારા તપાસ શરૂ
અડાલજ પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગુમ થયેલા પોપટજી ઠાકોરની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ સબ-રજીસ્ટ્રાર કચેરીના CCTV ફૂટેજ સહિત અન્ય પુરાવાઓની તપાસ કરી શકે છે. જમીનના દસ્તાવેજો, મોબાઇલ લોકેશન અને ફરિયાદમાં જણાવાયેલા વ્યક્તિઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
હાલ આ કેસમાં કોની ભૂમિકા છે અને પોપટજી ઠાકોર ક્યાં છે તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસ આગળ વધતાં જમીન વિવાદ અને કથિત અપહરણ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.