ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી પર હુમલો, જૂની અદાવતમાં ABVP કાર્યકરો સામે ફરિયાદ

અમદાવાદની ગુજરાત કોલેજમાં જૂની અદાવતને લઈને એક વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. B.Sc. સેમેસ્ટર-5માં અભ્યાસ કરતા ધ્રુવરાજસિંહ સોલંકી પર 5થી 7 શખ્સોના ટોળાએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં વિદ્યાર્થીનું માથું દીવાલ સાથે અથડાતા તેને 3 ટાંકા લેવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, ગોધરાના રહેવાસી અને હાલ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ કોલેજના નેહરુ હોલ નજીક મિત્રો સાથે બેઠા હતા. તે સમયે ABVP સાથે જોડાયેલા પ્રિન્સ દેસાઈ, આર.બી. મુધવા, રામ સહિતના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને કોઈ બોલાચાલી વિના તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હુમલા દરમિયાન ધ્રુવરાજસિંહ નીચે પડી ગયા હતા અને તેમનું માથું દીવાલ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે ધ્રુવરાજસિંહની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે પ્રિન્સ દેસાઈ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કેમ્પસમાં બનેલી આ હિંસક ઘટનાને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અંગે સવાલો ઊભા થયા છે.