અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી, આ સમગ્ર મામલે બુધવારે સુનાવણી થઇ હતી, સુપ્રીમ કોર્ટે પોતે લગાવેલા આ સ્ટેને યથાવત રાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના કુંભલગઢ વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારના એક કિમી સુધીના વિસ્તારને ઇકો-સેંસિટિવ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેથી ત્યાં કોઇ પણ બાંધકામ કે ખોદકામ મંજૂરી વગર નહીં થઇ શકે.કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી પર્વતમાળાને લઇને ૧૦૦ મીટરની જે વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી તેને અંગાઉ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી, જોકે બાદમાં રાજસ્થાન સહિતના પ્રભાવિત વિસ્તારોમાં આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થયો હતો, તેથી સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સુઓમોટો સુનાવણી કરી હતી અને સ્ટે મુકી દીધો હતો. આ સ્ટે હાલ પણ યથાવત રહેશે તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. સુનવાણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું હતું કે આ સમગ્ર મામલે કેટલાક ગંભીર મુદ્દા પર સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે સહયોગ કરવો જોઇએ.
સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે સાથે જ કેટલાક આદેશ જારી કર્યા છે, સુપ્રીમે કહ્યું છે કે કોર્ટ મિત્ર અને સરકાર પર્યાવરણ, વન અને ખનન નિષ્ણાતોના નામ સુચવે, આ નિષ્ણાતોની કમિટી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કામ કરશે, રાજસ્થાન સરકાર સુનિશ્ચિત કરે કે ગેરકાયદે ખનનને તુરંત જ રોકવામાં આવશે. આગામી આદેશ સુધી ડિસેમ્બરમાં નવી વ્યાખ્યા પર રોકનો જે આદેશ આપવામાં આવ્યો હતો તે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે વન અને અરવલ્લી બન્નેની પરિભાષાઓ અલગ અલગ રાખવામાં આવશે. વનની પરિભાષા વ્યાપક રહેશે જ્યારે અરવલ્લીને સિમિત મર્યાદામાં રાખવામાં આવશે. એમિકસ ક્યૂરી કે પરમેશ્વરને સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે ચાર સપ્તાહની અંદર વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો છે. હવે આ સમગ્ર મામલે ચાર સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે.














Leave a Reply