ભારે વરસાદથી ઉત્તર ભારતમાં ચોમેર તબાહી ચાર ધામ યાત્રાને કામચલાઉ સ્થગિત કરાઈ

ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ચોમેર તબાહીનો માહોલ સર્જાયો છે. સતત વરસી રહેલાં વરસાદને કારણે પૂર અને જમીન ધસી પડવા સહિતની વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં મૃત્યુ આંક વધીને 23 થયો છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ મેઘરાજાની આક્રમક બેટિંગને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઈડને કારણે આશરે 150થી વધુ માર્ગો બંધ થઈ જતાં રાજ્ય સરકારે સોમવારે ચાર ધામ યાત્રા હાલપૂરતી બંધ રાખવાનો આદેશ કર્યો છે.
હવામાન વિભાગે 21 જુલાઈના રોજ પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર- પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, બંગાળના અખાતમાં લો-પ્રેશર સિસ્ટમ નબળી પડવાને કારણે ચોમાસા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, તેના પરિણામે ઉત્તર ભારતમાં ચોમાસું વધુ મજબૂત બન્યું છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ સંબંધિત અકસ્માતમાં એક મહિલા અને તેના બે બાળકો સહિત કુલ 11 જણાના મોત નિપજ્યાં હતાં. જેને પરિણામે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વરસાદને લગતી દુર્ઘટનાઓનો મૃત્યુઆંક વધીને 23એ પહોંચ્યો હતો.
પૂરગ્રસ્ત પૂંછ અને રાજૌરી જિલ્લામાં આશરે સાત લોકો હજી પણ લાપત્તા છે. સતત વરસી રહેલાં ભારે વરસાદને કારણે અહીં બચાવ અને રાહત કામગીરીમાં અવરોધ સર્જ્યો હતો. પૂંછના સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર, અહીંના લોરન ખાતે એક કાચું મકાન ધસી પડતાં તેમાં રહેલી એક મહિલા અને તેના બે બાળકો જીવતાં દટાઈ ગયાં હતાં.
જમ્મુ-કાશ્મીરનો નેશનલ હાઈવે સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો. બીજી તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદને લીધે ઠેર-ઠેર જમીન ધસી પડવાની અને પહાડો પરથી પત્થરો પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. જેને લીધે આશરે 150થી વધુ માર્ગો બંધ રહેતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. બાગેશ્વર જિલ્લામાં સરયૂ નદીમાં આઠ વર્ષનો એક બાળક તણાઈ ગયો હતો. હવામાન વિભાગે દેહરાદૂન, તેહરી તથા હરિદ્વાર એમ ત્રણ જિલ્લાઓ માટે સોમવારે રેડ એલર્ટ જ્યારે બાકીના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. રાજ્યના તમામ જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. હિમાચલમાં ચંબા, કાંગરા, કુલ્લુ, મંડી તથા સિરમૌર જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.