માંજલપુર પેટાચૂંટણીનું પરિણામ આજે: ભાજપ ગઢ જાળવશે કે કોંગ્રેસ સર્જશે ઉલટફેર

વડોદરાની હાઈપ્રોફાઈલ માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે (3 ઓગસ્ટ) જાહેર થશે. પૂર્વ મંત્રી અને આઠ વખતના ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ખાતે શરૂ થઈ છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ બેઠક પર મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર સતીષ ગોવિંદભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે છે. 30 જુલાઈએ યોજાયેલા મતદાનમાં અંદાજે 37.5થી 37.7 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે સામાન્ય ચૂંટણીની સરખામણીએ ઓછું રહ્યું હતું.
માંજલપુર બેઠક વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. સ્વ. યોગેશ પટેલે પહેલા રાવપુરા બેઠક પરથી પાંચ વખત અને ત્યારબાદ નવા સીમાંકન પછી માંજલપુર બેઠક પરથી 2012, 2017 અને 2022માં સતત જીત મેળવી હતી. તેઓ કુલ આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 60.15 ટકા મતદાન નોંધાયું હતું અને યોગેશ પટેલે 1.20 લાખથી વધુ મત મેળવી કોંગ્રેસના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા હતા.
હવે સૌની નજર આજે જાહેર થનારા પરિણામો પર છે. ભાજપ પોતાના પરંપરાગત ગઢને જાળવી રાખશે કે કોંગ્રેસ આ બેઠક પર ઉલટફેર સર્જવામાં સફળ થશે, તેનો નિર્ણય આજે મતગણતરી પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.