એડમિન રાઈટ્સનો દુરુપયોગ કરી રૂ. 1.56 કરોડની ઉચાપત કરનાર મુખ્ય આરોપી સુરતમાંથી ઝડપાયો

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઈ પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજીસ લિમિટેડમાં એડમિન રાઈટ્સનો દુરુપયોગ કરીને રૂ. 1.56 કરોડની ઉચાપત કરવાના કેસમાં મુખ્ય આરોપી નિખિલ ખલાસને પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પોલીસથી બચવા માટે અલગ-અલગ રાજ્યોમાં સતત પોતાનું લોકેશન બદલતો હતો.
કંપનીના ફાઈનાન્સ હેડ ધ્વનિ કામાણીએ નિખિલ ખલાસ, ધરમ રાઠોડ અને પ્રિયંકા ખલાસ વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું કે બંને કર્મચારીઓએ કંપનીના એડમિન રાઈટ્સનો ગેરઉપયોગ કરીને નકલી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) તૈયાર કર્યા હતા. ત્યારબાદ બિડરોના આઈડી-પાસવર્ડ અને બેંક ખાતાની વિગતોમાં ગેરકાયદે ફેરફાર કરીને એસ્ક્રો એકાઉન્ટમાંથી રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, 12 જાન્યુઆરી 2021થી 29 એપ્રિલ 2026 દરમિયાન અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 1.56 કરોડની ઉચાપત કરવામાં આવી હતી. જેમાંથી અંદાજે રૂ. 16 લાખ નિખિલ ખલાસના ખાતામાં અને રૂ. 1.40 કરોડ તેની પત્ની પ્રિયંકા ખલાસના ખાતામાં જમા કરાયા હતા.
ટેક્નિકલ સર્વેલન્સ અને સતત મોનિટરિંગના આધારે પોલીસે નિખિલ ખલાસનું સુરતમાં લોકેશન શોધી તેને ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં ઉચાપતની રકમમાંથી રૂ. 61.44 લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પોલીસે ડિજિટલ ટ્રેલના આધારે વધુ તપાસ શરૂ કરી છે.