અજમલ ચૌધરી મારપીટ કેસ: ચૌધરી સમાજના વિરોધ બાદ મહંત બળદેવગિરીની અટકાયત, પોલીસ પૂછપરછ શરૂ

બનાસકાંઠાના અજમલ ચૌધરી મારપીટ કેસમાં ચૌધરી સમાજના સતત વિરોધ અને ન્યાયની માંગ બાદ 7 ઓગસ્ટે મહંત બળદેવગિરીની અટકાયત કરવામાં આવી છે. ડીસા રૂરલ પોલીસે તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ કેસ સંદર્ભે સઘન પૂછપરછ શરૂ કરી છે. જોકે, FIRમાં અત્યાર સુધી તેમનું નામ સામેલ ન હોવાનું સામે આવ્યું હતું.
દેવદરબાર જાગીરમઠ ખાતે વઢિયાર પંથકના ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી સાથે થયેલી મારપીટના બનાવને 20 દિવસ પૂર્ણ થયા બાદ પણ સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાં બેઠકો યોજી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી.
ધાનેરામાં ચિંતન બેઠક યોજાઈ
6 ઓગસ્ટે ધાનેરાની આંજણા કોલેજ ખાતે ચૌધરી સમાજ, અર્બુદા સેનાના હોદ્દેદારો અને સામાજિક આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ હતી. બેઠકમાં અજમલ ચૌધરીને ન્યાય અપાવવા અને ગાંધીનગર ખાતે યોજાનારી ન્યાય રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મુખ્યત્વે દિયોદર, લાખણી અને આસપાસના વિસ્તારોના આગેવાનો અને સમાજના લોકો હાજર રહ્યા હતા. બનાવ બાદ યોગ્ય કાર્યવાહી ન થવાના આક્ષેપ સાથે સમાજમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે.
કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવાનો નિર્ણય
રાધનપુર ખાતે યોજાયેલી સમાજની સામાન્ય સભા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સમાજના આગેવાનોને માહિતી આપવામાં આવી છે. આરોપીઓની ધરપકડ, પાસા હેઠળની કાર્યવાહી અને કાયદાકીય પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે સમાજના 10 આગેવાનોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી કેસની કાયદાકીય પ્રક્રિયા પર નજર રાખશે અને જરૂરી સમયે સરકાર તથા વહીવટી તંત્ર સમક્ષ સમાજનું પ્રતિનિધિત્વ કરશે.
શું હતો સમગ્ર મામલો?
બનાસકાંઠાના દેવદરબાર જાગીરમઠ ખાતે અજમલ ચૌધરી સાથે થયેલી મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ઘટનાને લઈને ચૌધરી સમાજે વિરોધ પ્રદર્શન કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલ્યા છે. જોકે, FIRમાં મહંત બળદેવગિરીનું નામ ન હોવાને કારણે પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. હવે મહંત બળદેવગિરીની અટકાયત બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.