ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં 10 ઓગસ્ટે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિક સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
માહિતી મળતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વાયરિંગ અથવા ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગ અન્ય ભાગોમાં પ્રસરે તે પહેલાં જ કાબૂમાં આવી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, બેઝમેન્ટના વાયરિંગ અને અન્ય સામગ્રીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગના ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.