અમદાવાદમાં ઝરમર વરસાદ, અરવલ્લી-મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદમાં સોમવારે બપોર બાદ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
11 ઓગસ્ટ: અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
12 ઓગસ્ટ: સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.