સંસદમાં ચર્ચા મુદ્દે અમિત શાહ અને રાહુલ ગાંધી સામસામે

નવી દિલ્હી: પેપર લીક, શિક્ષણમાં સુધારા અને 20 જુલાઈના વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન દિલ્હી પોલીસના લાઠીચાર્જ તથા ગોળીબારના મુદ્દે સંસદમાં ચર્ચાની માગને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સરકાર સંસદમાં તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે વિપક્ષને લોકસભાના અધ્યક્ષ સમક્ષ ચર્ચા માટે નોટિસ રજૂ કરવા અને સંસદની કાર્યવાહી સરળતાથી ચાલવા દેવા અપીલ કરી હતી. શાહે કહ્યું કે લોકશાહીમાં કોઈપણ સમસ્યાના ઉકેલ માટે ચર્ચા અને સંવાદ જરૂરી છે.
જોકે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષને ગૃહમંત્રીનું “લેક્ચર” સાંભળવામાં રસ નથી, પરંતુ 20 જુલાઈના વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન લાઠીચાર્જ અને ગોળીબારનો આદેશ કોણે આપ્યો તેનો સીધો જવાબ જોઈએ છે.
રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ અને આરએએફ ગૃહ મંત્રાલય હેઠળ આવતા હોવાનો ઉલ્લેખ કરીને ગોળીબારના આદેશ માટે જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપ્યો હતો.
આ દરમિયાન બુધવારે પણ સંસદની કાર્યવાહી વિપક્ષના વિરોધને કારણે ખોરવાઈ હતી. વિપક્ષે પેપર લીક, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને રામ મંદિરના દાનમાં કથિત ચોરી સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી હતી. 13 ઓગસ્ટે સંસદના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હોવાથી આ મુદ્દે રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો છે.