4500 સિમકાર્ડના OTP આપ્યા, પાકિસ્તાન સુધીનું કનેક્શન ખૂલ્યું

અમદાવાદ સાયબર ક્રાઈમે કંપનીના બોસ બની કર્મચારીઓ અને એકાઉન્ટન્ટને ટાર્ગેટ કરી લાખો-કરોડોની સાયબર ઠગાઈ કરતી ગેંગને સિમકાર્ડ અને વોટ્સએપ એકાઉન્ટ માટે OTP પૂરા પાડતા બે આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. ઇમરાન અલી પીયાદા અને ઇન્જામુલ મોલ્લા નામના આરોપીઓ સિમકાર્ડ પર આવતા OTPના ખરીદ-વેચાણના રેકેટમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બંને આરોપીઓએ દેશભરના સાયબર ગુનેગારોને હજારો OTP પૂરા પાડ્યા હતા. આ OTPનો ઉપયોગ વોટ્સએપ, ઇ-કોમર્સ અને ઓનલાઇન ગેમિંગ સહિતની વિવિધ એપ્લિકેશનના એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે કરવામાં આવતો હતો.આ સાયબર ક્રાઇમ રેકેટના સીધા તાર પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને ચીન સાથે જોડાયેલા હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓએ સાયબર માફિયાઓને 21000 ઓટીપી વેચ્યા હોવાનું સામે આવી રહ્યું છે, સાયબર ફ્રોડ માટે તેમણે 4500 સીમકાર્ડ ખરીદી એક્ટિવ કરાવ્યા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં 23 જૂને નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. ફરિયાદ મુજબ ખાનગી કંપનીના માલિકના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી RBIના નામે ZIP ફાઈલ મોકલવામાં આવી હતી. કંપનીમાં ખોટા ટ્રાન્જેક્શનની માહિતી હોવાનું જણાવી મોકલાયેલી આ ફાઈલ કંપનીના માલિકે ડાઉનલોડ કરી હતી. જેને પગલે મોબાઇલનો કંટ્રોલ ગઠીયાઓ પાસે આવી ગયો હતો ત્યારબાદ સાયબર ગઠિયાઓએ કંપનીના માલિકનો ફોટો અને નામ વાપરી અન્ય નંબર પર માલીકનો ડીપી રાખી તેના એકાઉન્ટન્ટને વોટ્સએપ મેસેજ કર્યો હતો અને કંપનીના બોસ બનીને આશરે દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરની ટેકનિકલ વિગતો મેળવી સિમકાર્ડ અને મોબાઇલ ડિવાઇસનું એનાલિસિસ કર્યું હતું. તેના આધારે પશ્ચિમ બંગાળના રહેવાસી ઇમરાન અલી પીયાદા અને ઇન્જામુલ મોલ્લાને અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ 25થી 30 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. ઇમરાન BA સુધી અભ્યાસ કરી હાલ ટેલિકોમ સર્વિસ સાથે સંકળાયેલો હતો, જ્યારે ઇન્જામુલ પણ BA સુધી ભણેલો છે.