ભાવનગર નકલી દારૂકાંડના પડઘા: મહીસાગરમાં ડ્રોનથી તપાસ, અમરેલીમાં AAPનું વિરોધ પ્રદર્શન

ભાવનગરમાં સર્જાયેલા નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 10 થયો છે, જ્યારે 61 લોકોની તબિયત લથડતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાના પડઘા હવે મહીસાગર અને અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસે દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ સામે કાર્યવાહી તેજ કરી છે, જ્યારે અમરેલીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લામાં કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આગરવાડા નજીક મહીસાગર નદીના પટમાં ડ્રોનની મદદથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. નદીકાંઠા અને આસપાસના જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી હતી.
ડ્રોન સર્વેલન્સ દરમિયાન ઘોડાના મુવાડા ગામ નજીકના જંગલ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ભઠ્ઠીનો નાશ કર્યો હતો. મહીસાગર નદીના પટ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન મારફતે સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, ભાવનગરના નકલી દારૂકાંડના વિરોધમાં અમરેલીમાં AAPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. રાજકમલ ચોક ખાતે કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન ‘હર્ષ ભગાવો, દેશ બચાવો’ જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
પ્રદર્શન દરમિયાન સ્થળ પર હાજર પોલીસે AAPના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. ભાવનગરની ઘટનાના પગલે અન્ય જિલ્લાઓમાં પણ ગેરકાયદેસર દારૂ સામે પોલીસ કાર્યવાહી અને રાજકીય વિરોધનો દોર શરૂ થયો છે.