ગીર અભયારણ્યમાં રેલવેનું હોલિડે હોમ વિવાદમાં, NBWLની શરતોના ભંગનો આક્ષેપ

જૂનાગઢના ગીર વન્યજીવ અભયારણ્યમાં સાસણ રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા રિટાયરિંગ રૂમ્સને હોલિડે હોમમાં ફેરવાતા વિવાદ ઊભો થયો છે. પર્યાવરણપ્રેમીઓનો આક્ષેપ છે કે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ (NBWL)ની મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરીને રેલવે દ્વારા આ જગ્યાનો ઉપયોગ અધિકારીઓ અને કર્મચારીઓના રોકાણ માટે કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 2017માં NBWLની 43મી સ્ટેન્ડિંગ કમિટીએ સાસણ ખાતે રિટાયરિંગ રૂમ્સના બાંધકામને કેટલીક શરતો સાથે મંજૂરી આપી હતી. શરત નંબર 8 મુજબ આ રૂમ્સનો ઉપયોગ માત્ર રેલવે અધિકારીઓ અને સ્ટાફના સત્તાવાર કામકાજ માટે કરવાનો હતો. તેમજ પ્રવાસીઓ માટે તેનો રેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ ન કરવાની સ્પષ્ટ શરત હતી. જોકે, અંદાજે 8,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા આ બાંધકામને હવે હોલિડે હોમ તરીકે ઉપયોગમાં લેવાતા નિયમભંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સાસણ રેલવે સ્ટેશન ગીરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં વધતી પ્રવાસન પ્રવૃત્તિથી વન્યજીવો અને ખાસ કરીને એશિયાટિક સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પર્યાવરણપ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે અભયારણ્યની અંદર હોલિડે હોમ જેવી પ્રવૃત્તિ ચલાવવી પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના નિયમોની વિરુદ્ધ છે.
કર્મચારીઓ માટે માત્ર ₹30 અને નિવૃત્ત કર્મચારીઓ માટે ₹60માં રોકાણ
ભાવનગર રેલવે ડિવિઝનના પરિપત્ર મુજબ સાસણ સ્થિત રેલવે હોલિડે હોમમાં કાર્યરત અને નિવૃત્ત રેલવે કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને રોકાવાની સુવિધા આપવામાં આવી છે. કાર્યરત કર્મચારીઓ માટે 24 કલાકનો દર ₹30, જ્યારે નિવૃત્ત કર્મચારીઓ માટે ₹60 નક્કી કરવામાં આવ્યો છે. બુકિંગ માટે 45 દિવસ અગાઉ અરજી કરવાની રહેશે અને મહત્તમ બે દિવસનું બુકિંગ કરી શકાશે.
10 ઓગસ્ટે હોલિડે હોમનું ઉદ્ઘાટન
10 ઓગસ્ટ 2026ના રોજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે અને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા સુજાતા પાંડેએ સાસણ ગીર રેલવે સ્ટેશન ખાતે રેલવે કર્મચારીઓ માટે નવનિર્મિત હોલિડે હોમનું ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ રિટાયરિંગ રૂમ તરીકે ઉપયોગમાં લેવાતી આ જગ્યાને હોલિડે હોમમાં ફેરવવામાં આવતા હવે NBWLની મંજૂરીની શરતોના પાલન અંગે સવાલો ઊભા થયા છે.
પર્યાવરણપ્રેમીઓએ રિટાયરિંગ રૂમ્સનો હોલિડે હોમ તરીકે ઉપયોગ તાત્કાલિક બંધ કરવાની તેમજ વન વિભાગ અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને નિયમભંગ થયો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.