સુરત: શ્રાવણના અંતિમ તબક્કામાં કાવડયાત્રાનો માહોલ, તાપીનું જળ લઈને સિદ્ધનાથ મહાદેવ તરફ ભક્તોનો પ્રવાહ

0
સુરત: શ્રાવણના અંતિમ તબક્કામાં કાવડયાત્રાનો માહોલ, તાપીનું જળ લઈને સિદ્ધનાથ મહાદેવ તરફ ભક્તોનો પ્રવાહ
Views: 8
0 0

Read Time:4 Minute, 23 Second

શ્રાવણ માસના અંતિમ તબક્કામાં સુરત અને આસપાસનો વિસ્તાર શિવભક્તિના રંગે રંગાયો છે. રવિવારે સાંજથી જહાંગીરપુરા કુરુક્ષેત્ર ઓવારા ખાતે કાવડિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તાપી નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી ‘હર હર મહાદેવ’ અને ‘બોલ બમ’ના જયઘોષ સાથે હજારો શિવભક્તો સરસ ગામ નજીક આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર તરફ પગપાળા નીકળી પડ્યા હતા.

કાવડિયાઓ સાથે મહિલાઓ, યુવાનો અને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ પદયાત્રામાં જોડાયા હતા. જેના કારણે તાપી કિનારેથી સિદ્ધનાથ મહાદેવ મંદિર સુધીનો માર્ગ ભક્તિમય બની ગયો હતો. લાંબી પદયાત્રા દરમિયાન ભક્તોના ચહેરા પર થાક કરતાં શ્રદ્ધા અને ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો.

ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર સુરત સહિત દક્ષિણ ગુજરાતના શિવભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મહાદેવના દર્શન અને જળાભિષેકનું વિશેષ મહત્વ હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો તાપીનું જળ લઈને પગપાળા મંદિર પહોંચે છે.

રવિવારે સાંજ બાદ કુરુક્ષેત્ર ઓવારા ખાતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કાવડિયાઓએ તાપીનું જળ ભર્યું હતું. ત્યારબાદ કાવડ ખભે ધારણ કરી ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન અને જળાભિષેક માટે નીકળી પડ્યા હતા. યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ અને પરિવારજનો પણ શ્રદ્ધાભેર યાત્રામાં જોડાયા હતા.

સેવાભાવી સંસ્થાઓએ ઉભા કર્યા સેવા કેન્દ્રો

કાવડયાત્રા દરમિયાન ભક્તોની સેવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ભક્ત મંડળો દ્વારા માર્ગમાં સેવા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અહીં પદયાત્રીઓને પાણી, ચા અને ફરાળી નાસ્તા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લાંબી યાત્રા દરમિયાન થાકેલા ભક્તોને આરામ મળે અને જરૂરી સુવિધા મળી રહે તે માટે સેવાભાવી કાર્યકરો સેવા આપી રહ્યા છે.

બાવા સાહેબની પરંપરા આજે પણ જીવંત

સિદ્ધનાથ મહાદેવ સાથે કાવડયાત્રાની પરંપરાને ઓલપાડના સંત રતનદાસ ઉર્ફે બાવા સાહેબ સાથે જોડવામાં આવે છે. ઓલપાડના બાવા ફળિયામાં રહેતા બાવા સાહેબ મહાદેવના પરમ ભક્ત તરીકે જાણીતા હતા. લોકમાન્યતા મુજબ તેઓ દરરોજ રાત્રે તાપી નદીમાંથી કાવડમાં જળ ભરી પગપાળા સિદ્ધનાથ મહાદેવ મંદિર પહોંચતા અને જળ અર્પણ કરી અભિષેક કરતા હતા.

વરસાદ કે કપરા હવામાન જેવી પરિસ્થિતિમાં પણ તેઓ પોતાની કાવડયાત્રા ચાલુ રાખતા હોવાની માન્યતા છે. તેમની અડગ શ્રદ્ધા અને કઠોર ભક્તિ બાદ સિદ્ધનાથ મહાદેવના દર્શન થયાની લોકવાયકા આજે પણ ઓલપાડ વિસ્તારમાં પ્રચલિત છે. તેમની ભક્તિની આ પરંપરા આજે પણ કાવડિયાઓ દ્વારા જાળવી રાખવામાં આવી છે.

ઓલપાડના બાવા ફળિયામાં આજે પણ બાવા સાહેબનું મંદિર આવેલું છે. સિદ્ધનાથ મહાદેવને કાવડ અર્પણ કર્યા બાદ અનેક કાવડિયા અને શ્રદ્ધાળુઓ બાવા સાહેબના મંદિરે પણ દર્શન કરવા પહોંચે છે. આ રીતે કાવડયાત્રા સાથે તેમની સ્મૃતિ અને વર્ષો જૂની ભક્તિની પરંપરા પણ જોડાયેલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *