‘વંદે માતરમ્’ વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાનો ખુલાસો, ભાજપે ગણાવ્યું દેશનું અપમાન

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં ‘વંદે માતરમ્’ના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બેસી જતાં વિવાદ સર્જાયો છે. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રગીતના અપમાન સમાન ગણાવી કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માગી છે.
વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’ના ગાન સમયે તેઓ માનપૂર્વક ઊભા રહ્યા હતા અને જરૂરી કડીઓ દરમિયાન ઊભા રહ્યા બાદ બેસી ગયા હતા. તેમણે કહ્યું કે આ તેમનું વ્યક્તિગત વલણ છે અને તેમના ધર્મમાં ખુદાની ઇબાદત કરવાનો હુકમ છે.
ભાજપે આ મુદ્દે આકરો વિરોધ નોંધાવતા કોંગ્રેસને સવાલ કર્યો કે ખેડાવાલાનું વલણ વ્યક્તિગત છે કે પછી પાર્ટીનું સત્તાવાર વલણ છે. ભાજપે ધારાસભ્ય પાસે આ અંગે સ્પષ્ટતા અને માફીની માગણી કરી છે.
ભાજપે વધુમાં જણાવ્યું કે ‘વંદે માતરમ્’નું અપમાન દેશના અપમાન સમાન છે અને આ પ્રકારની ઘટના સામાન્ય નાગરિક પણ સ્વીકારી શકે નહીં.