અંબાજી મંદિરના પ્રસિદ્ધ મોહનથાળને મળ્યો GI ટેગ, નવરાત્રિના પ્રથમ નોરતે સર્ટિફિકેટ અપાશે

અંબાજી મંદિરના પરંપરાગત અને પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને ભૌગોલિક ઓળખ (GI) ટેગ મળ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ મોહનથાળને ખાદ્ય પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ સત્તાવાર GI ટેગ આપ્યો છે.
અધિકૃત દસ્તાવેજો મુજબ 1 ઓક્ટોબર, 2026ના રોજ મોહનથાળ માટે GI સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું હતું. આ સાથે અંબાજીનો મોહનથાળ દેશના વિશિષ્ટ મંદિર પ્રસાદોમાં સ્થાન પામ્યો છે. તિરુપતિ લાડુ અને પલાની પંચામૃતમની જેમ હવે અંબાજીના મોહનથાળને પણ વિશિષ્ટ ઓળખ મળી છે.
આ ઐતિહાસિક સિદ્ધિ નિમિત્તે નવરાત્રિના પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરે અંબાજી દેવસ્થાન ખાતે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10થી 11 વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહી ટ્રસ્ટને સત્તાવાર GI સર્ટિફિકેટ અર્પણ કરશે.
GI ટેગ મળવાથી હવે ‘અંબાજી મોહનથાળ’ નામના અનધિકૃત ઉપયોગ અને નકલ સામે કાનૂની રક્ષણ મળશે. સાથે જ મોહનથાળની પરંપરાગત ઓળખ, ગુણવત્તા અને શુદ્ધતા જાળવવામાં પણ આ માન્યતા મહત્વની સાબિત થશે.