CJP નેતાઓની અટકાયત બાદ દેશભરમાં વિરોધની જાહેરાત, રાજકોટમાં પણ પોલીસ એલર્ટ

દિલ્હીમાં CJPના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. જંતર-મંતર તરફ પ્રદર્શન માટે જઈ રહેલા 150થી વધુ લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા હોવાના અહેવાલ છે. CJPના નેતાઓની અટકાયત બાદ સંગઠને હવે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
CJPના નેતા અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી છે. અભિજીત દીપકે દિલ્હી પહોંચતા પહેલાં જ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ દરમિયાન તેમણે સરકારની કાર્યવાહીને લઈને કહ્યું કે તેઓ ધમકીઓથી ડરવાના નથી.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. જંતર-મંતર તેમજ આસપાસના વિસ્તારોમાં ડ્રોન અને CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન સહિત અનેક મહત્વના સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે.
સુરક્ષાના ભાગરૂપે દિલ્હીની સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સંભવિત પ્રદર્શનકારીઓને રોકવા અને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ધ્રુવ રાઠીની પણ ગુરુગ્રામમાંથી અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમના નિવાસસ્થાન બહાર પોલીસની ટીમ તૈનાત હોવાની માહિતી સામે આવી છે.
રાજકોટમાં પણ CJPના વિરોધ પ્રદર્શનની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે. શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવી શકે છે. સંભવિત ભીડ, અનધિકૃત જમાવડા અને સોશિયલ મીડિયા મારફતે થતા આહ્વાનો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હજારો પોલીસકર્મીઓ અને સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. CJP દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ હવે અન્ય શહેરોની સાથે રાજકોટમાં પણ પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.