‘જ્ઞાનેશ કુમારને બચાવીને સરકાર મોટી ભૂલ કરી રહી છે’, રાહુલ ગાંધીનો આક્ષેપ

દિલ્હીમાં INDIA ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, મુખ્ય ન્યાયાધીશે વિપક્ષી સાંસદોની અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
‘દિલ્હીને કેદખાનું બનાવી દીધું છે’: રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે દિલ્હીને કેદખાનામાં ફેરવી દેવામાં આવ્યું છે. લોકોને દિલ્હી આવતા રોકવામાં આવી રહ્યા છે અને ટ્રેનો તથા બસોને પણ અટકાવવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીને કિલ્લા જેવું બનાવીને ચારેય તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને બચાવીને કેન્દ્ર સરકાર મોટી ભૂલ કરી રહી છે. તેમણે સરકારની કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને લોકશાહી અને નાગરિકોના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી.
શાંતિપૂર્ણ પ્રદર્શન માટે CJPનું 24 કલાકનું અલ્ટીમેટમ
CJPના સભ્ય સૌરવ દાસે જણાવ્યું કે દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો બંધારણીય અધિકાર છે. તેમણે દિલ્હી પોલીસને 24 કલાકમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે સ્થળ, દિવસ અને સમય ફાળવવાની માગ કરી છે. જો પોલીસ તરફથી મંજૂરી નહીં મળે તો સંગઠન દ્વારા પોતે આંદોલનની જાહેરાત કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
‘શાંતિપૂર્ણ રીતે ન્યાયની માગ કરીશું’: સુપ્રિયા સુલે
NCP-SCPના સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે માર્ચ કરીને ન્યાયની માગ કરશે. તેમણે કહ્યું કે દેશમાં ચાલી રહેલી કેટલીક ઘટનાઓ લોકશાહી માટે ચિંતાજનક છે.
સુપ્રિયા સુલેએ સવાલ ઉઠાવ્યો કે લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકને મુક્તપણે ફરવાનો અને પોતાના અધિકારોનો ઉપયોગ કરવાનો હક છે, તો પછી દિલ્હીમાં આટલા કડક પ્રતિબંધો શા માટે લાદવામાં આવી રહ્યા છે?