જીગરદાન ગઢવીના ગરબામાં હોબાળો: મોંઘા પાસ છતાં એન્ટ્રી ન મળતાં ખેલૈયાઓ ડોમમાં ઘૂસ્યા, તોડફોડ

અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ પર યોજાતા જીગરદાન ગઢવીના ‘સાચી નવરાત્રિ’ ગરબા વિવાદમાં સપડાયા છે. બીજા નોરતે મોંઘા પાસ ખરીદ્યા હોવા છતાં ખેલૈયાઓને લાંબા સમય સુધી એન્ટ્રી ન મળતાં ભારે હોબાળો થયો હતો. રોષે ભરાયેલા ખેલૈયાઓ ધક્કામુક્કી કરીને AC ડોમમાં ઘૂસી ગયા હતા અને પોસ્ટર ફાડી તોડફોડ કરી હતી. સાથે જ રિફંડની માંગ સાથે નારેબાજી પણ કરવામાં આવી હતી.
પહેલા નોરતે મંજૂરી વગર ગરબા યોજાયાનો આક્ષેપ
જીગરદાન ગઢવીના AC ડોમ ગરબા માટે ફાયર વિભાગની NOC અને પોલીસની મંજૂરીને લઈને શરૂઆતથી જ સવાલો ઉઠ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળની ચાર વખત તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આવવા-જવાના રસ્તા, કચરાના ઢગલા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ખામીઓ સામે આવી હોવાનું જણાવાયું હતું.
ડોમની અંદર અને પાછળ ખુલ્લા ઈલેક્ટ્રિક વાયરો હોવા અંગે પણ ફાયર વિભાગે સૂચના આપી હતી. આ ઉપરાંત ફાયર એક્સ્ટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, ડોમમાં લગાવવામાં આવેલા કપડા તેમજ ગ્રાઉન્ડની કાર્પેટ પર ફાયર-રેઝિસ્ટન્ટ સ્પ્રે સહિતની વ્યવસ્થા પૂર્ણ કરવા જણાવાયું હતું.
આ ખામીઓ વચ્ચે પહેલા નોરતે રાત્રે 1 વાગ્યા સુધી ગરબા યોજાયા હોવાના આક્ષેપો થયા છે. જેના કારણે ફાયર NOC અને પોલીસ મંજૂરી વગર ગરબા યોજવા અંગે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
મોંઘા પાસ છતાં કલાકો સુધી એન્ટ્રી ન મળી
બીજા નોરતે રાત્રે લગભગ 9 વાગ્યાથી ખેલૈયાઓ મોંઘા પાસ લઈને ગેટ બહાર રાહ જોઈ રહ્યા હતા. જોકે, કલાકો સુધી તેમને ડોમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. એન્ટ્રી કેમ અટકાવવામાં આવી છે તે અંગે આયોજકો તરફથી સ્પષ્ટ જવાબ ન મળતાં ખેલૈયાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.
આખરે કેટલાક ખેલૈયાઓ ધક્કામુક્કી કરીને ડોમમાં પ્રવેશી ગયા હતા. આ દરમિયાન પોસ્ટર ફાડવા અને તોડફોડ કરવાની ઘટના બની હતી. ખેલૈયાઓએ પોતાના પાસના પૈસા પરત આપવાની માંગ સાથે હોબાળો કર્યો હતો.
પોલીસની મંજૂરી ન મળતાં બીજા નોરતે ગરબા બંધ
મળતી માહિતી મુજબ, બીજા નોરતે ગરબા યોજવા માટે પોલીસની મંજૂરી મળી નહોતી. ફાયર વિભાગની પરવાનગી અંગે પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ ન થતાં પોલીસ દ્વારા ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
મંજૂરી ન મળતા બીજા નોરતે ગરબા શરૂ થઈ શક્યા નહોતા. હવે પહેલા નોરતે કથિત રીતે જરૂરી મંજૂરી વગર ગરબા યોજાયા હોવા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.
તંત્રની કામગીરી સામે સવાલો
ફાયર વિભાગ દ્વારા અનેક વખત તપાસ કર્યા બાદ પણ સુરક્ષા સંબંધિત ખામીઓ દૂર ન થઈ હોવાના આક્ષેપો વચ્ચે પહેલા નોરતે ગરબા કેવી રીતે યોજાયા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. જો ફાયર NOC અને પોલીસ પરમિશન જરૂરી હતી તો પહેલા નોરતે ગરબા દરમિયાન પોલીસ બંદોબસ્ત કેવી રીતે આપવામાં આવ્યો અને કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
બીજા નોરતે ખેલૈયાઓને એન્ટ્રી ન મળતાં થયેલા હોબાળા બાદ સમગ્ર મામલો વધુ વકર્યો છે.