I.N.D.I.A. ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહી, 4 FIR નોંધાઈ; 500 ભ્રામક પોસ્ટ હટાવવા નોટિસ

દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધન દ્વારા યોજાયેલી મહારેલી અને માર્ચ બાદ દિલ્હી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વિરોધ પ્રદર્શનના મામલે પોલીસે કુલ 4 FIR નોંધાવી છે. પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ, બેરિકેડ તોડવા અને રસ્તાઓને નુકસાન પહોંચાડવાના આરોપસર તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં બે જ્યારે મંદિર માર્ગ અને બારાખંબા રોડ પોલીસ સ્ટેશનમાં એક-એક FIR નોંધાઈ છે.
ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ સામે પણ કાર્યવાહી
પોલીસે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી ભ્રામક અને વાંધાજનક પોસ્ટ્સ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આશરે 500 પોસ્ટ હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત 100થી વધુ શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તપાસ હેઠળ છે.
જૂના વીડિયોનો ઉપયોગ કરીને અફવા ફેલાવવાનો આરોપ
પોલીસ તપાસમાં કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા જૂના અને એડિટ કરાયેલા હિંસાના વીડિયો હાલના દિલ્હીના વિરોધ પ્રદર્શન સાથે જોડીને વાયરલ કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક ફેક એકાઉન્ટ્સ ભારતીય યુવાનોના નામે બનાવવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.
10 ઓક્ટોબરે દિલ્હીમાં ભારે હિંસા, બજારો બંધ અને સેનાની તૈનાતી અંગે સોશિયલ મીડિયા પર દાવાઓ વાયરલ થયા હતા. દિલ્હી પોલીસે આ દાવાઓને ખોટા ગણાવી સ્પષ્ટતા કરી હતી કે વાયરલ વીડિયોનો વર્તમાન ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી.
સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ, 10 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ અને કાર્યકરો બારાખંબા રોડ પર એકઠા થયા હતા અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી હતી. પ્રદર્શનકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પ્રક્રિયા બંધ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ હતા. સુરક્ષા વ્યવસ્થા માટે 10,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ભગવાન દાસ રોડ પર કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસ વાહનો પર ચડી જતા પોલીસે ભીડને નિયંત્રિત કરવા કાર્યવાહી કરી હતી.