CJPની તિરંગા માર્ચ પહેલાં દિલ્હીમાં NSUIનો મોડી રાત્રે હંગામો, અધ્યક્ષ સહિત અનેક કાર્યકરોની અટકાયત

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ની પ્રસ્તાવિત ‘તિરંગા માર્ચ’ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. ગુરુવારે મોડી રાત્રે NSUIના કાર્યકરોએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા કાર્યકરો સાથે કથિત મારપીટના મામલે FIR નોંધવાની માંગ સાથે કરાયેલા આ વિરોધ દરમિયાન NSUI અધ્યક્ષ વિનોદ જાખડ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
FIRની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણાં
NSUIનો આરોપ છે કે દિલ્હી પોલીસની એક મહિલા અધિકારી દ્વારા સંગઠનની મહિલા કાર્યકરો સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી. આ મામલે FIR નોંધવાની માંગ સાથે કાર્યકરોએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જોકે, ફરિયાદ નોંધવામાં ન આવતાં કાર્યકરો સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી ગયા હતા.
NSUIના જણાવ્યા પ્રમાણે, ફરિયાદ નોંધવાને બદલે પોલીસે પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી અને અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.
મહિલા કાર્યકરો સાથે મારપીટનો આરોપ
NSUI અધ્યક્ષ વિનોદ જાખડે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન મહિલા કાર્યકરો સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેટલીક મહિલાઓને એક અંધારા રૂમમાં લઈ જઈને બૂટ અને સેન્ડલથી માર મારવામાં આવ્યો હતો.
જાખડે સવાલ ઉઠાવ્યો હતો કે મહિલા કાર્યકરો માટે ન્યાયની માંગ કરવી શું ગુનો છે? NSUIએ સમગ્ર મામલે FIR નોંધવાની અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
સંગઠનના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રવિ પાંડેએ પણ કાર્યકરોની અટકાયતનો વિરોધ કર્યો હતો. NSUIએ ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વિરોધ વધુ ઉગ્ર કરવામાં આવશે.
CJPની તિરંગા માર્ચને લઈને દિલ્હીમાં સુરક્ષા વધારાઈ
બીજી તરફ, CJP દ્વારા આજે સાંજે 5 વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કથી ‘તિરંગા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે લોકોને તિરંગા સાથે માર્ચમાં જોડાવા અપીલ કરી છે.
આ માર્ચ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ અને મતદાર યાદીના વિશેષ ઘનિષ્ઠ પુનઃનિરીક્ષણ (SIR)માં કથિત અનિયમિતતાઓના વિરોધમાં યોજાવાની છે.
દિલ્હી પોલીસે કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી છે. પોલીસના જણાવ્યા મુજબ, BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે અને લોકોને પ્રસ્તાવિત માર્ચથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. NDMC દ્વારા પણ વહીવટી કારણોસર 16 અને 17 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘તિરંગો લહેરાવવા માટે જેલ જવા તૈયાર’: અભિજીત દીપક
મોડી રાત્રે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અભિજીત દીપકેએ દાવો કર્યો હતો કે પોલીસ તેમને રાત્રે અથવા શુક્રવારે સવારે ગમે ત્યારે અટકાયતમાં લઈ શકે છે. તેમ છતાં તેઓ તિરંગો લહેરાવવા માટે જેલ જવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. દીપકેના જણાવ્યા મુજબ, તેમની મુખ્ય માંગ સરકાર બદલવાની નહીં પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની જગ્યાએ નિષ્પક્ષ વ્યક્તિની નિમણૂક કરવાની છે. તેમણે પોતાના સહયોગીઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડનો પણ ઉલ્લેખ કર્યો હતો.