ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, રેયાનને રૂ.35 હજાર અને વિદેશમાં સેટલ થવાની લાલચ અપાઈ

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં હરિયાણા પોલીસે વધુ એક આરોપી સમીરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમીરે મુખ્ય આરોપીઓનો સંપર્ક લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા અને કેલિફોર્નિયામાં બેઠેલા અનિલ પંડિત સાથે કરાવ્યો હતો. આરોપી રેયાન ઉર્ફે સુક્કાને ફાયરિંગ કરવા બદલ રૂ.35 હજાર અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ આપવામાં આવી હતી.
એપ દ્વારા ગેંગના સંપર્કમાં હતા આરોપીઓ
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ‘જગ્ગી’ એપ મારફતે અનિલ પંડિતના સંપર્કમાં હતા. આ એપ પર સંપર્ક કરવા માટે કોઈ ખાસ ઓળખની જરૂર પડતી નહોતી. આરોપીઓને હથિયાર કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું નહોતું, પરંતુ કચરાપેટી પાસેથી હથિયાર મેળવી લેવાની સૂચના આપવામાં આવી હતી.
આ કેસમાં રેપિડોનું કનેક્શન પણ સામે આવ્યું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કેસ સાથે જોડાયેલ એક વ્યક્તિ અગાઉ રેપિડો સાથે કેપ્ટન તરીકે રજિસ્ટર્ડ હતો, પરંતુ ઘટનાના દિવસે તેણે માત્ર ગ્રાહક તરીકે રેપિડો સેવાનો ઉપયોગ કર્યો હતો. કંપનીએ તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની વાત કહી છે.
નેપાળ ભાગે તે પહેલાં કોટામાંથી ઝડપાયા
ફાયરિંગ બાદ મુખ્ય આરોપીઓ રેયાન, ફૂલ સિંહ અને રિતિક મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ પુણે-જયપુર એક્સપ્રેસ દ્વારા નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 24 કલાકની અંદર ત્રણેયને રાજસ્થાનના કોટામાંથી ઝડપી લીધા હતા.
હવે સમીર સહિત તમામ આરોપીઓની પૂછપરછ દરમિયાન ફાયરિંગ પાછળના સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.