રાજકોટની કંપની પાસેથી ₹8.97 કરોડનું કાપડ ખરીદી ₹5.44 કરોડનું પેમેન્ટ અટકાવ્યું

રાજકોટના મોરબી રોડ પર આવેલી કીયાન એમ એક્સપોર્ટ કંપની સાથે ₹5.44 કરોડની કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતા પ્રેમચંદ અશોક મિત્તલ સામે આ મામલે EOWમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ કંપની પાસેથી કરોડો રૂપિયાનું કાપડ ખરીદ્યા બાદ મોટાભાગની રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, ડિસેમ્બર 2024માં આરોપીએ કંપનીના સેલ્સ વિભાગનો સંપર્ક કરીને કાપડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કંપનીની મુલાકાત લઈ તેણે પોતાનું નામ મારૂતી એક્સપોર્ટ હોવાનું અને કંપની મુંબઈમાં હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં તેણે કાપડ ખરીદ્યા બાદ સમયસર પેમેન્ટ ચૂકવ્યું હતું.
ત્યારબાદ આરોપીએ કંપનીના સેલ્સ હેડને જાણ કરી કે હવે તેની કંપની વતી કલ્પેશ કાપડિયા સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેની ક્રેડિટ લિમિટ પણ વધારવામાં આવી હતી. વર્ષ 2025 દરમિયાન આરોપીએ કંપની પાસેથી કુલ ₹8.97 કરોડનું કાપડ મંગાવ્યું હતું, જેમાંથી માત્ર ₹3.52 કરોડનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું.
બાકીની ₹5.44 કરોડની રકમની ઉઘરાણી કરવામાં આવતાં આરોપીએ કાપડ ઈન્ડોનેશિયા એક્સપોર્ટ કર્યું હોવાનું અને માલ ખરાબ નીકળ્યો હોવાનું કહી પેમેન્ટ ટાળ્યું હતું. જોકે, કંપનીની તપાસમાં માલ ખરાબ ન હોવાનું તેમજ આરોપીએ કાપડની નિકાસ કરવાને બદલે તેને સ્થાનિક બજારમાં વેચી દીધું હોવાની માહિતી સામે આવી હતી.
આ મામલે કંપની તરફથી અધિકૃત વ્યક્તિએ EOWમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.