ચીનને ક્લીનચીટ આપવાનું બંધ કરો!’ અરુણાચલ સરહદ તણાવ મુદ્દે ખડગેએ PM મોદી સામે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત-ચીન સરહદ પર અરુણાચલ પ્રદેશમાં તણાવના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ITBPના DG શત્રુજીત કપૂરના નિવેદન બાદ ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીનને ‘ક્લીનચીટ’ આપવાનું બંધ કરી દેશની જનતાને સરહદની વાસ્તવિક સ્થિતિ જણાવવાની માંગ કરી છે.
ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સુરક્ષાને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે ડોકલામ અને ગલવાન બાદ શું અરુણાચલ પ્રદેશમાં ફરીથી સૈન્ય તણાવ વધી રહ્યો છે? ઓગસ્ટમાં ચીની ઘૂસણખોરીના અહેવાલો બાદ પણ તણાવ યથાવત કેમ છે અને ભારતના પેટ્રોલિંગ અધિકારો અંગે કોઈ સમાધાન કરવામાં આવ્યું છે કે નહીં?
આર્થિક મુદ્દે ખડગેએ જણાવ્યું કે ગલવાનમાં 20 ભારતીય જવાનોના બલિદાન બાદ પણ ચીનમાંથી આયાતમાં 102 ટકાનો વધારો થયો છે. તેમણે દાવો કર્યો કે ભારતની ચીન સાથેની વેપાર ખાધ 155 ટકા વધીને 112.16 અબજ ડોલર થઈ છે. આ આંકડાઓને ટાંકીને તેમણે સવાલ કર્યો કે શું ‘મેક ઇન ઇન્ડિયા’ હવે ‘ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના’ બની ગયું છે?
ખડગેએ સરકારને સરહદની સ્થિતિ અંગે દેશને અંધારામાં ન રાખવા અને રાષ્ટ્રીય સુરક્ષા તથા આર્થિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર જનતાને સ્પષ્ટ માહિતી આપવા માંગ કરી છે.