અમદાવાદમાં ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેમ્પસ કરાયા ખાલી
અમદાવાદના સેટેલાઇટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી ત્રણ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા ઈમેઈલ મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાભારતી સ્કૂલ, સી.એન. વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલના ઈમેઈલ આઈડી પર અજાણ્યા વ્યક્તિ દ્વારા આ ધમકી મોકલવામાં આવી હતી.
ધમકીભર્યો ઈમેઈલ મળતા જ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે ત્રણેય શાળાના કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વહેલી રજા આપવામાં આવી હતી અને વાલીઓને જાણ કરીને બાળકોને ઘરે લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો શાળાઓમાં પહોંચી હતી. સુરક્ષા ટીમોએ સમગ્ર કેમ્પસ, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. હાલ ધમકી આપનાર અજાણ્યા શખ્સ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.