દિવાળી પહેલાં અમદાવાદ તંત્ર એલર્ટ: 1100થી વધુ ફાયર કર્મચારી અને 65થી વધુ એમ્બ્યુલન્સ 24 કલાક સ્ટેન્ડબાય

અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન આગ, અકસ્માત અને કાયદો-વ્યવસ્થાની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગ, 108 ઇમરજન્સી સેવા અને શહેર પોલીસે સંયુક્ત ઇમરજન્સી એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરમાં 18 ફાયર સ્ટેશનોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 1100થી વધુ ફાયર કર્મચારીઓ અને 65થી વધુ એમ્બ્યુલન્સને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
સાંકડા વિસ્તારોમાં ફાયર બાઇક અને QRV તહેનાત
શહેરના ગીચ અને સાંકડા વિસ્તારોમાં મોટા ફાયર ટેન્ડર સરળતાથી પહોંચી શકે તે માટે વોટર મિસ્ટ ટેક્નોલોજી ધરાવતી ફાયર બાઇક અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (QRV) તહેનાત કરવામાં આવ્યા છે. કાલુપુર, રિલીફ રોડ, લાલદરવાજા અને બાપુનગર જેવા વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.જી. હાઇવે, સિંધુભવન અને એસ.પી. રિંગ રોડ પર ફટાકડાના મોટા સ્ટોલ નજીક વોટર બ્રાઉઝર્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
108 એમ્બ્યુલન્સમાં બર્ન કિટનો સ્ટોક
દિવાળી દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 108ની તમામ એમ્બ્યુલન્સમાં બર્ન ડ્રેસિંગ કિટ, ઓક્સિજન અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. અસારવા સિવિલ, સોલા સિવિલ, એલ.જી. અને શારદાબેન હોસ્પિટલના બર્ન્સ વોર્ડ તથા ટ્રોમા સેન્ટર સાથે સંકલન કરવામાં આવ્યું છે, જેથી ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળી શકે.
ગીચ બજારોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારાશે
દિવાળીના દિવસોમાં શહેરના સંવેદનશીલ વિસ્તારો, રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ અને શોપિંગ મોલ્સમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.
મુખ્ય ટ્રાફિક જંક્શનો પર ક્રેન અને રિકવરી વેન પણ સ્ટેન્ડબાય રાખવામાં આવશે, જેથી વાહન બંધ પડી જવાથી ટ્રાફિક જામ ન સર્જાય અને ફાયર તથા 108 જેવી ઇમરજન્સી સેવાઓને રસ્તો મળી રહે. મહિલાઓની સુરક્ષા માટે ભીડવાળા બજારોમાં શી-ટીમ અને 181 અભયમની ટીમો પણ તહેનાત રહેશે.