અમદાવાદના શીલજ સર્કલ પર હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો, ભાજપના ધારાસભ્યનો ભત્રીજો નીકળ્યો કારચાલક, ધરપકડ બાદ મળ્યા જામીન

અમદાવાદના શીલજ સર્કલ પાસે 11 નવેમ્બરની સવારે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. અકસ્માત સર્જીને ફરાર થયેલો કારચાલક બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો રાઘવેન્દ્ર કુશવાહ હોવાનું સામે આવ્યું છે. કારચાલકે રેપિડો બાઈકને ટક્કર મારતાં 35 વર્ષીય યુવક હર્ષદકુમાર પુરબિયાનું મોત થયું હતું.
પોલીસ ફરિયાદ મુજબ, સવારે લગભગ 7 વાગ્યે ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી બાઈકચાલક પ્રદીપ કુમાર અને પાછળ બેઠેલા હર્ષદકુમાર રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે હર્ષદકુમારનું મોત થયું હતું. તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રહેવાસી હતા અને હાલ અમદાવાદના શાસ્ત્રીનગરમાં રહેતા હતા.
અકસ્મત બાદ કારચાલક રાઘવેન્દ્ર કુશવાહ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, બોપલ પોલીસે કારની નંબર પ્લેટના આધારે તપાસ કરીને આરોપીની તેના ઘરેથી ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
બોપલ પોલીસના PIના જણાવ્યા મુજબ, અકસ્માતની જાણ થયાના 15થી 17 કલાકમાં જ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. કાયદાકીય જોગવાઈ મુજબ ફેટલ અકસ્માતના કેસમાં જામીન આપી શકાય તેમ હોવાથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, અકસ્માત સમયે આરોપીએ નશો કર્યો હોવાની કોઈ વિગતો સામે આવી નથી. આ મામલે કોઈનું દબાણ ન હોવાનું પણ પોલીસે સ્પષ્ટ કર્યું છે.