નવરાત્રિ પહેલાં YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો બ્રિજ નીચેનો રસ્તો ખુલવાની શક્યતા, વાહનચાલકોને મળશે મોટી રાહત

અમદાવાદના SG હાઈવે પર YMCA ક્રોસ રોડથી કર્ણાવતી ક્લબ તરફ જતો બ્રિજ નીચેનો રસ્તો નવરાત્રિ પહેલાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. NHAI દ્વારા રસ્તાના રિસરફેસિંગ અને સમારકામની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. રસ્તો શરૂ થતાં વાહનચાલકોને અંદાજે 15થી 20 મિનિટનો સમય બચશે અને લગભગ 3 કિલોમીટર લાંબા ડાયવર્ઝનથી છૂટકારો મળશે.
બ્રિજ નીચેના રસ્તાનું કામ ઝડપી બનાવાયું
થોડા દિવસો પહેલાં ટ્રાફિક JCP દ્વારા NHAIના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈને કર્ણાવતી-સરખેજ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ બ્રિજ નીચેના રસ્તા પર પડેલા ખાડા તાત્કાલિક પૂરવા પણ જણાવાયું હતું.
હાલમાં રસ્તા પરના ખાડા કામચલાઉ ધોરણે પૂરવામાં આવ્યા છે. નવા સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કર્યા બાદ પેવર બ્લોક અને ડામરથી રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવશે. હાલમાં બ્રિજ નીચે રિસરફેસિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
3 કિમીના ડાયવર્ઝનથી મળશે મુક્તિ
હાલ YMCA ક્રોસ રોડથી કર્ણાવતી તરફ જવા માટે વાહનચાલકોને ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ થઈને આશરે 3 કિલોમીટરનો વધારાનો રસ્તો કાપવો પડે છે. જેના કારણે 15થી 20 મિનિટ જેટલો વધારાનો સમય લાગે છે.
બ્રિજ નીચેનો રસ્તો શરૂ થયા બાદ YMCA ક્રોસ રોડથી સીધા પ્રહલાદનગર ક્રોસ રોડ અને ત્યાંથી કર્ણાવતી ક્રોસ રોડ સુધી જઈ શકાશે. પરિણામે વાહનચાલકોનો સમય અને અંતર બંને બચશે.
ઓગસ્ટ 2025થી રસ્તો બંધ
YMCA ક્રોસ રોડથી કર્ણાવતી તરફ જતો આ રસ્તો ઓગસ્ટ 2025થી બ્રિજના કામને કારણે બંધ છે. ત્યારથી વાહનચાલકો માટે વૈકલ્પિક ડાયવર્ઝન વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે બ્રિજનું કામ અંતિમ તબક્કામાં પહોંચતાં નીચેનો રસ્તો પણ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યો છે.
કર્ણાવતી-સરખેજ બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. બ્રિજ પર હાલમાં લાઇટિંગ, ટેબલ ચેકિંગ, થર્મોપ્લાસ્ટ પેઈન્ટિંગ અને રોડ ફર્નિચર સહિતનું ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે.
NHAIના જણાવ્યા અનુસાર, બ્રિજનું મોટાભાગનું કામ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે અને જરૂરી ફિનિશિંગ કામગીરી બાદ 30 ઓક્ટોબર સુધીમાં તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂકી શકાય તેવી સ્થિતિ બની શકે છે. સાથે જ બ્રિજ નીચેના રસ્તાનું સમારકામ પણ નવરાત્રિ પહેલાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.