Yes TV

News Website

કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત

કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત
Views 47

ચિત્રદુર્ગ : કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકાના નેશનલ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે ભયાવહ અકસ્માત થયો હતો. ટ્રક બસ સાથે એટલી તીવ્રતાથી ટકરાયો હતો કે તુરંત આગ ફાટી નીકળી હતી. બસ આખી બળીને ખાક થઈ ગઈ હતી અને તેની સાથે નવ મુસાફરો પણ ભડથું થઈ ગયા હતા. આ અકસ્માતના કારણે કલાકો સુધી નેશનલ હાઈવે બંધ રાખવાની ફરજ પડી હતી. પીએમ મોદીએ આ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.બેંગ્લુરુથી શિવમોગ્ગા જઈ રહેલી સ્લીપર બસ સાથે ડિવાઈડર કૂદાવીને બેકાબૂ બનેલો ટ્રક ધડાકાભેર ટકરાયો હતો. આ ટક્કર સાથે જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું. બસના મુસાફરો પણ બળીને ખાક થયા હતા. બસમાં એટલી વિકરાળ આગ લાગી ગઈ હતી કે મહામહેનતે ગંભીર રીતે દાઝેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી તુરંત શરૂ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ હતી. આ ઘટનાના પગલે આખો રસ્તો કલાકો સુધી બંધ પડયો હતો. પરિણામે ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતકોની ઓળખની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે ટ્રક ડ્રાઈવરની બેદરકારીથી આ અકસ્માત થયો હતો. બસમાં ડ્રાઈવર સહિત કુલ ૩૨ લોકો સવાર હતા.

આ ઘટના નજરે જોનારા લોકોએ અકસ્માતની દર્દનાક ઘટના વર્ણવી હતી એ પ્રમાણે અકસ્માત પછી તુરંત આગ ફાટી નીકળી હતી એટલે બસમાંથી મુસાફરોની મરણચીસો સંભળાતી હતી. બસમાંથી હૈયાફાટ રૂદન સંભળાતું હતું. બસના દરવાજા અને બાકી ખોલવાની કોશિશ અંદરથી મુસાફરો કરતા હતા, પરંતુ એમાં પણ મુશ્કેલી પડી હતી. બહારથી આવીને લોકોએ બસમાંથી મુસાફરોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી ત્યાં સુધીમાં ઘણાં દાઝી ગયા હતા. ટ્રક બસની ડિઝલ ટેન્ક પાસે ટકરાયો હોવાથી આગ ફાટી નીકળી હતી. વીડિયો વાયરલ થયા એમાં જોવા મળ્યું કે ઘણાં લોકો બસમાં આગ લાગી ત્યારે દૂરથી જોતાં હતા. મદદ માટે નજીક આવ્યા નહીં. તેના કારણે મૃત્યુઆંક ઊંચો ગયો અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત બન્યાં.

અકસ્માત નડયો તે બસની બરાબર પાછળ જ એક સ્કૂલ બસ આવતી હતી. એમાં ૪૨ બાળકો હતા. આગળની બસની ટક્કર થઈ ત્યારે પાછળ આવી રહેલી સ્કૂલ બસના ડ્રાઈવરે કૂનેહથી બસ પર કાબૂ રાખ્યો હતો. જો જરા સરખી બેદરકારી રહી હોત તો પાછળની સ્કૂલ બસ પણ આ ટ્રક અને બસ સાથે ટકરાઈ હોત. એવું થયું હોત તો ભૂલકાઓ પણ અગનજ્વાળામાં સપડાયા હોત.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *