સુરતમાં હીરા ખરીદી પેમેન્ટ નહીં ચૂકવતી આંતરરાષ્ટ્રીય ગેંગ સામે ઈકો સેલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી

સુરતમાં હીરા ખરીદી પેમેન્ટ નહીં ચૂકવતી આંતરરાષ્ટ્રીય ગેંગ સામે ઈકો સેલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. યુએસની જાણીતી કંપનીઓના બોગસ બાયર તરીકે ઓળખ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે નીતિનકુમાર ઉર્ફે કાનાની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ મુજબ આરોપીએ વર્ચ્યુઅલ ગેટવે નંબરનો ઉપયોગ કરીને દુબઈ અને હોંગકોંગની ડાયમંડ કંપનીઓ પાસેથી કુલ 5.32 લાખ અમેરિકન ડોલરની કિંમતના હીરા મંગાવ્યા હતા. જોકે, હીરા મેળવ્યા બાદ તેણે નક્કી કરાયેલ પેમેન્ટ ચૂકવ્યું નહોતું. આરોપી ‘રેપનેટ’ (RapNet) પરથી વિદેશી ડાયમંડ કંપનીઓનો ડેટા મેળવી વર્ચ્યુઅલ વોટ્સએપ નંબર મારફતે વેપારીઓનો સંપર્ક કરતો અને પોતાની ઓળખ વિશ્વસનીય બાયર તરીકે આપી વેપારીઓનો વિશ્વાસ જીતતો હતો.
હીરા ખરીદ્યા બાદ છ દિવસમાં પેમેન્ટ કરવાની શરત રાખવામાં આવતી હતી. હીરાનો માલ મળ્યા પછી આરોપી પોતાનો મોબાઈલ ફોન અને લેપટોપ બંધ કરીને ફરાર થઈ જતો હતો. આ રીતે વિદેશી ડાયમંડ કંપનીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય ઠગાઈના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી છે. હાલ નીતિનકુમારની ધરપકડ બાદ સમગ્ર ગેંગની કામગીરી, અન્ય વ્યવહારો અને છેતરપિંડીના વધુ કેસો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.