ગ્લેશિયર ફાટવાથી અનેક ગામડાં અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ભારે નુકસાન

નેપાળના ઉત્તરીય રાસુવા જિલ્લામાં તિબેટ તરફથી આવેલા અચાનક અને તીવ્ર પૂરે ભારે તબાહી મચાવી છે. ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે તૈમુરે અને સ્યાબ્રુબેસી સહિતના વિસ્તારોમાં ઘરો, વાહનો અને પુલો પાણીમાં વહી ગયા છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત થયા છે.
પૂરના કારણે ચાર સીઆરપીએફ કર્મચારીઓ અને કસ્ટમ વિભાગના 14 કર્મચારીઓ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં ફરીથી બનાવવામાં આવેલો આંતરરાષ્ટ્રીય કોંક્રિટ પુલ પણ પૂરના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. ઉપરાંત, તૈમુરે એરિયા પોલીસ ઓફિસ, સ્યાફ્રુબેસી પોલીસ પોસ્ટ અને રાસુવાગઢી પોલીસ પોસ્ટ સહિત ત્રણ પોલીસ કચેરીઓ જળમગ્ન થઈ ગઈ છે.
અચાનક આવેલા પૂરના કારણે 15 જેટલા જળવિદ્યુત પ્રોજેક્ટ્સને પણ અસર થઈ હોવાનું સામે આવ્યું છે. અનેક સ્થળોએ પ્રોજેક્ટ્સને નોંધપાત્ર નુકસાન થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો પૂરની ભયાનકતા દર્શાવે છે. એક વીડિયોમાં શરૂઆતમાં નદીનો પ્રવાહ સામાન્ય અને શાંત જોવા મળે છે, પરંતુ થોડી જ ક્ષણોમાં પાણીનું સ્તર અને પ્રવાહ ઝડપથી વધી જાય છે. ત્યારબાદ પુલ, રસ્તા, ઘરો અને પાર્ક કરાયેલા વાહનો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જતા જોવા મળે છે.
અન્ય વીડિયોમાં પર્વતો વચ્ચેથી અચાનક સફેદ ધુમાડા જેવું દ્રશ્ય દેખાય છે અને થોડી જ વારમાં તે ભારે પાણીના પ્રવાહમાં ફેરવાઈ જાય છે. પાણીનો પ્રવાહ ઝડપથી નીચે તરફ ધસી આવે છે અને માર્ગમાં આવતા વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લે છે. આ દ્રશ્યો અચાનક આવેલા પૂરની ઝડપ અને વિનાશક અસરને સ્પષ્ટ રીતે દર્શાવે છે.