અમદાવાદમાં CCTV કેમેરાના વેપારમાં રૂ.55 લાખની છેતરપિંડી, ઝોનલ સેલ્સ મેનેજરે બનાવટી ડિલિવરી ચલણ બનાવી માલ વેચી માર્યો

અમદાવાદમાં CCTV કેમેરાના વેપારમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. એક કંપનીના ઝોનલ સેલ્સ મેનેજર અમિત દવે પર રૂ.55થી 57 લાખનો માલ બારોબાર વેચી નાખવાનો આરોપ લાગ્યો છે. આરોપીએ અલગ-અલગ વેપારીઓ પાસેથી રૂ.1.07 કરોડનાં બિલ બનાવડાવી માલ નરોડા સ્થિત ગોડાઉનમાં મંગાવ્યો હતો. ત્યારબાદ કંપનીનો માલ રોકડેથી અન્ય વેપારીઓને વેચી દીધો હતો.
મળતી માહિતી મુજબ, બોડકદેવમાં રહેતા વેપારી સુરેશ કાતરિયાએ CCTV કેમેરાની ખરીદી માટે અમિત દવેનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અમિતે અલગ-અલગ વેપારીઓ મારફતે બિલ બનાવી માલ પહોંચાડવાની ખાતરી આપી હતી. તેના આધારે કુલ રૂ.1.07 કરોડનાં બિલ તૈયાર કરવામાં આવ્યાં હતાં.
જોકે, દિવાળી બાદ પણ માલની ડિલિવરી ન થતાં વેપારીઓએ બેઠક યોજી હતી. 3 ડિસેમ્બર, 2025ના રોજ અમિત વેપારીઓને નરોડા ખાતેના ગોડાઉનમાં લઈ ગયો હતો. ત્યાં સ્ટોકની તપાસ કરતાં રૂ.55થી 57 લાખનો માલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન અમિતે નાણાંની જરૂરિયાત હોવાથી માલ રોકડેથી વેચી દીધો હોવાની કબૂલાત કરી હતી.
આ ઉપરાંત વેપારીઓને વિશ્વાસમાં રાખવા માટે તેણે કંપનીનાં બનાવટી ડિલિવરી ચલણ પણ તૈયાર કર્યાં હતાં. જોકે, તપાસ દરમિયાન આ ચલણ નકલી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે બિલમાં દર્શાવેલા NVRના સિરિયલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. NVR એક્ટિવ થતાં ગ્રાહકોના મોબાઇલ અને ઈ-મેઇલ પર આવતા OTPની મદદથી પોલીસ ભરૂચની એક હોટલ સુધી પહોંચી હતી. વધુ તપાસમાં એક ખાનગી કંપનીના માલિકે માલ અમિત દવે પાસેથી રોકડેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં અમિત દવે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.