ગોધરામાં બે અલગ-અલગ મકાનોમાં ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના ભોઈવાડા વિસ્તારમાં એક વૃદ્ધ ગરીબ પરિવારના મકાનમાં ભીષણ આગ લાગતાં આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે બીજી ઘટના ભગવદ નગર સોસાયટીમાં બની હતી, જ્યાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.
ભોઈવાડામાં વૃદ્ધ પરિવારનું મકાન બળીને ખાખ
ગોધરાના ભોઈવાડા વિસ્તારમાં અંકલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા એક મકાનમાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મકાનમાં રહેલી ઘરવખરી સહિત સમગ્ર મકાન બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
ભગવદ નગરમાં આગ, ત્રણ ગેસ સિલિન્ડર સુરક્ષિત બહાર કઢાયા
બીજી તરફ, ભગવદ નગર સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. આગને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગોધરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ઘરમાં રાખેલા ત્રણ ગેસ સિલિન્ડર ફાયર જવાનોએ સમયસૂચકતા દાખવી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ નહીં
સદનસીબે આગ લાગી ત્યારે પરિવારજનો ઘરની બહાર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, બંને ઘટનાઓમાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.