અમદાવાદ ગ્રામ્ય પોલીસે 5 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા રાજ્યમાં નશાબંધી કાયદાના કડક અમલીકરણ અને ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે સાણંદ અને અસલાલી ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા કુલ રૂ. ૫.૦૫ કરોડથી વધુની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ના મુદ્દામાલનો નિયમાનુસાર નાશ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાણંદ અને અસલાલી ડિવિઝનના કુલ 146 પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરવામાં આવેલી 172678 વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી વરિષ્ઠ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી.
ડિવિઝન મુજબ જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત
સાણંદ ડિવિઝન: સાણંદ GIDC, ચાંગોદર, બોપલ અને સાણંદ પોલીસ સ્ટેશનના કુલ 93 કેસોમાં જપ્ત કરાયેલી 100127 દારૂની બોટલો (અંદાજિત કિંમત રૂ. 3,08,99,766).
અસલાલી ડિવિઝન: અસલાલી, કણભા અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના કુલ 53 કેસોમાં જપ્ત કરાયેલી 72551 દારૂની બોટલો (અંદાજિત કિંમત રૂ.1,96,05,409).
આ કામગીરી સાણંદના SDM સંકેત પટેલ, સાણંદ SDPO તથા અસલાલીના ઇન્ચાર્જ SDPO નિલમ ગોસ્વામી સહિત સંબંધિત તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ (PI) અને પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગના અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે પૂરી કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે આવી આકરી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.